પૃષ્ઠ:Thag.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઠગ અને ભેદી ટોળીઓ: ૨૦૧
 


અત્યાચારને પરિણામે આ હુન્ગ - ત્રિશૂળમંડળ - વધારે અને વધારે રાજકીય બનતું ગયું અને રાજવંશની સામે તેણે વારંવાર ઝૂઝવા માંડ્યું. એ મંડળની ક્રિયાઓ અને મુખ્ય સૂત્ર એવાં છે કે ધાર્મિક રહસ્ય બહુ ઝડપથી રાજદ્વારી સ્વરૂપ ધારણ કરી લે.

મંડળનું મુખ્ય સૂત્ર અગર યુદ્ધગર્જના ‘ચીંગને પદભ્રષ્ટ કરો અને મીંગને સિંહાસને બેસાડો' એ પ્રમાણે છે. ચીંગનો અર્થ ‘માયામાં લપટાયેલો આત્મા' થાય છે અને મીંગનો અર્થ 'પૂર્ણ પ્રકાશ અગર વિશુદ્ધ આત્મા' થાય છે. બીજી રીતે ‘ચીંગ’ ત્યાંના 'મંચુ' રાજ્યકર્તા માટે વપરાય છે. અને તેમની પહેલાંના બૌદ્ધ રાજવંશને ‘મીંગ'ને નામે ઓળખવામાં આવતો. આમ ધાર્મિક અને આધ્યાત્મિક ભાવનામાંથી મહાભયંકર રાજકીય ટોળીનો વિકાસ બહુ સરળ બની ગયો.

આ મંડળના કાર્યકાણ્ડ અને વિધિ ઇજિપ્તના પિતૃ ગ્રંથ (Book of the Dead) અને પશ્ચિમની તાર્કિક ફ્રીમેસનરીની ઉચ્ચ શ્રેણીના વિધિને બહુ મળતાં આવે છે. આખી ક્રિયામાં એક રૂપક યોજવામાં આવ્યું છે. આત્મા પાતાળમાં થઈને સ્વર્ગ ઉપર જઈ તેથી પણ આગળ વધી દેવોના પવિત્ર ધામમાં પહોંચી જાય એવી ભાવના આખી ક્રિયામાં રહેલી છે. ફ્રીમેસનરીની બધી જ મહત્ત્વની વિગતો ‘હુંગ' મંડળની ક્રિયામાં હોય છે; એટલું જ નહિ, પણ હસ્તમુદ્રાઓ અને ચિહ્નો ફ્રીમેસનો તરત ઓળખી કાઢે એવાં સામ્યતાભરેલાં હોય છે.

ક્રિયાના ચાર વિભાગ થાય છે. દીક્ષા આપતી વખતે એક નિયત કરેલા ઓરડામાં પ્રથમ તો સંસ્થાનો ઇતિહાસ કહેવામાં આવે છે. એક શહેનશાહે પોતાને જ સહાયભૂત બનેલા સાધુઓના સંઘને દગાથી કાપી નાખ્યો; એમાંથી પાંચ સાધુઓ બચ્યા, તેમણે આ ‘હુંગ' મંડળ સ્થાપ્યું. શહેનશાહે ત્રણ દગાબાજોથી આ કામ પાર ઉતાર્યું - જેમાં એક શહેનશાહ પોતે જ હતો. એ શહેનશાહને જ મંચુ શહેનશાહ (પદભ્રષ્ટ કરવા લાયક ચીંગ) તરીકે ગણી લેવામાં આવે છે.

ઇતિહાસકથન પછી દીક્ષા લેનારને વિધિપુર:સર સ્નાન કરાવવામાં આવે છે અને પછી તેને ધોળો ઝભ્ભો પહેરાવવામાં આવે છે. દેહશુદ્ધિનો એક એવો સંકેત છે કે દીક્ષા લેનાર આ દેહે મૃત્યુ પામી સ્વર્ગારોહણની પાત્રતા મેળવે છે. ઝભ્ભો પહેરાવ્યા પછી જમણો હાથ, ખભો અને છાતી ખુલ્લાં રાખવામાં આવે છે; ઉપરાંત સામાન્ય પગરખાંને બદલે ઘાસનાં ચંપલ પહેરાવવામાં આવે છે.

આ દરમિયાન સંઘના પ્રમુખ ગુપ્ત મંદિરને ખુલ્લું મૂકે છે અને સંઘના