પૃષ્ઠ:Thag.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઠગ અને ભેદી ટોળીઓ: ૨૦૩
 

રહેલી કાર્બોનરીએ તથા રશિયાના નિહિલિસ્ટો અને એનાર્કિસ્ટોની ટોળીઓએ ઈટાલી અને રશિયાને રાજકીય ક્રાન્તિ દ્વારા મુક્તિના માર્ગ સફળ કરી આપ્યા છે. હિંદનાં ક્રાન્તિવાદી મંડળોની આપણે ભલે તરફેણ ન કરીએ, પરંતુ દેશની જાગૃતિમાં તેમણે આપેલો ફાળો વીસરાય એમ નથી. ગાંધીજીના અહિંસક બળવાએ રાજકીય મુક્તિના પ્રયત્નોને બીજે રસ્તે ન વાળ્યા હોત તો જર્મન યુદ્ધ પછી હિંદમાં પણ અનેક છૂપાં રાજકીય મંડળો સ્થપાયા વગર રહ્યાં ન હોત. ગાંધીજીનું માર્ગદશન હોવા છતાં કાકોરી કેસ, ભગતસિંહની ફાંસી અને એવા એવા પ્રસંગો ક્રાંતિકારોનાં મંડળોનું આછું આછું પણ અસ્તિત્વ સૂચવે છે. અને બ્રિટિશ રાજસત્તા હિંદને અવગણશે તો અન્ય દેશો સરખાં અહીં પણ પરિણામ આવે એમાં નવાઈ નથી.

હિંદની છૂપી ટોળીઓનું વૃત્તાન્ત ઉપયોગી અને રસિક વાંચન પૂરું પાડે એમ છે. આર્યો અને અનાર્યોના વારાફેરા : વૈદિક, બૌદ્ધ, જૈન, શૈવ અને પંથોની ચડતીપડતી : મુસ્લિમ સત્તાનું આક્રમણ અને હિંદુઓના ધર્મ કે રાજ્યરક્ષણના પ્રયત્નો : વ્યાપારીઓ સૈનિકો અને સાધુઓનાં સાહસ : પાગલાઈ તથા પેશ્વાઈની નિર્બળતાના યુગમાં ઉપસ્થિત થયેલી સ્થિતિએ ઊભાં કરેલાં ઠગ અને પીંઢારાઓનાં ટોળાં : ઈ. સ. ૧૮૫૭નો બળવો : રેંડ અને આયર્સ્ટનાં ખૂન : પૂનાના દફતરખાનાને આગ લગાડ્યાનો બનાવ : હિંદ જીતવા માટેનાં બ્રિટિશ કારસ્તાનો અને વીસમી સદીનાં ક્રાંતિકારી મંડળો : એ બધું બહુ જ ઉત્તેજક વાંચન પૂરું પાડે એમ છે. એ સર્વ પ્રસંગોમાં ગુપ્ત મંડળીઓનાં કારસ્તાનોએ શું શું કર્યું એ ખરેખર સમજવા જેવું છે. અંગ્રેજી ઇતિહાસકારોએ ઘણી માહિતી ભેગી કરી છે. છતાં પરદેશી માનસને ઘણી વાતોના ઉકેલ ન મળ્યા હોય એ સંભવિત છે. અત્યંત પ્રામાણિક પ્રયત્નો હોવા છતાં રાજ્યકર્તા હોવાનું ભાન, ઉચ્ચસંસ્કારની ખાતરી અને પરાધીન બનતી કે બની ચૂકેલી પ્રજાના માનસમાંથી ખેંચી કાઢેલી માહિતી આખા દૃષ્ટિકોણને બદલી નાખે એ સ્વાભાવિક છે. ઇતિહાસનો શોખ ધરાવતા હિંદી અભ્યાસીઓ યુગ યુગનો, અગર પ્રસંગ પ્રસંગનો કે સંસ્થાઓનો અભ્યાસ કરે અને હિંદી દૃષ્ટિએ અભ્યાસનાં પરિણામો પ્રગટ કરે તો ઘણી બાબતો ઉપર સાચો પ્રકાશ પાડી શકે.

સાધુઓની જમાતો, અખાડા અને મઠ પણ ગુપ્ત મંડળીઓના કેટલાક ઇતિહાસ ઉકેલી શકે એમ છે. ધર્મ એ પ્રાચીન જીવનનું વ્યાપક તત્ત્વ. અને સાધુઓ ધર્મજીવનના મુખ્ય અંગ તરીકે બની ગયેલા હોવાથી તેમના પ્રત્યેનો પૂજ્યભાવ તેમને ઘણે અંશે ભારે રક્ષણ આપી રહે છે.