પૃષ્ઠ:Thag.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઠગ અને ભેદી ટોળીઓ: ૨૦૫
 

સત્તાના આગમનથી થયેલા લાભમાં ઠગ લોકોના વિનાશનું તો સ્પષ્ટ સૂચન કર્યું છે :

'ફાંસીખોરા ફેલ કરીને વનમાં પાડી ન શકે વાટ.'

ઠગ લોકોને ઠગ, ફાંસીગાર કે ફાંસીખોર તરીકે ઓળખવામાં આવતા. ઠગ લોકોનો વિસ્તાર આખા હિંદમાં હતો. કરાંચીથી આસામ અને કાશ્મીરથી મદ્રાસ સુધી ઠગ લોકોની વ્યવસ્થિત જાળ પથરાઈ હતી. મલબાર સિવાય બીજા બધા પ્રદેશમાં ઠગ લોકોની ટોળીઓ અસ્તિત્વમાં હતી. ઠગ લોકોએ પૂરી પાડેલી હકીકતોમાં ભરૂચ, વડોદરા, ડભોઈ, પેટલાદ એવાં એવાં નામો પણ મળી આવે છે; એટલે ગુજરાતમાં પણ તેમની જાળ પથરાયેલી હતી. એ નિ:સંશય વાત છે. ઠગ લોકોના બંધારણનાં અંગ્રેજ લેખકો પણ વખાણ કરે છે. એક લેખક કહે છે :

"Treacherous and despicable as the Thugs were, one must give them full credit for the excellence of their organisation."
‘ઠગ લોકો ધિક્કારપાત્ર અને વિશ્વાસઘાતી હતા એ ખરું, પણ તેમના બંધારણની શ્રેષ્ઠતા માટે તેમને પૂરું માન આપવું જોઈએ.’

આખા દેશના તેમણે વિભાગો પાડી દીધા હતા, અને એ વિભાગો અમુક ઠગ ટોળીઓને સોંપવામાં આવ્યા હતા. ઠગના રસ્તાઓ પણ ઠરી ચૂકેલા હતા. ગુરુ, સુબેદાર, જમાદાર અને દફેદાર જેવાં નામ ઠગઅધિકારીઓને આપવામાં આવતાં હતાં. સંદેશવાહકો - પ્રાથમિક તપાસ કરનારાંઓને ‘બયકરીઆ’ મૃતદેહને દાટનારાઓને 'લુગ્ગા', ભોગ બનેલા માનવીઓને પકડી રાખનારા ‘શમસિયા’ અને ફાંસી નાખનારાઓને ‘ભુરટોટી' કે 'ભ્રટોટી' કહેવામાં આવતા. ચઢતા ઊતરતા દરજ્જાવાળી આ રચના લશ્કરની રચના સરખી વ્યવસ્થિત અને અત્યંત સખત બંદોબસ્તવાળી હતી. કોઈ માણસ મંડળમાં દાખલ થયો એટલે તેણે મંડળ સંબંધમાં મુખ તદ્દન બંધ કરવું જોઈએ. તેનાં કૃત્યોમાં જરા પણ એવી ખામી ન આવવી જોઈએ કે જેથી ઠગ સંઘને હાનિ પહોંચે. વિશ્વાસઘાત કરનાર ઠગને ભારેમાં ભારે સજા થતી - જોકે તેવા પ્રસંગો ભાગ્યે જ આવતા. વળી તેમનો ડર એટલો બધો હતો કે તેમની વિરુદ્ધ સાક્ષીપુરાવા કરવાની હિંમત જ ચાલતી નહિ, હિંમત કરનાર કોઈ નીકળે તો તેનું આવી બનતું. વળી ટોળીઓની વ્યવસ્થા પણ એવી રીતે ગોઠવાતી કે ઓળખાય એવાં સ્થળોએ ટોળીઓ જતી જ નહિ. વળી રાજ્યના નોકરો, પટેલો, તલાટીઓ, સિપાઈઓ તેમ જ મોટા અધિકારીઓમાં પણ ઠગ લોકોનું ગુપ્ત વજન ઘણું