પૃષ્ઠ:Thag.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૬: ઠગ
 

હતું. પૈસા વેરીને અને ભય પમાડીને તેઓ પોતાની વિરુદ્ધ તપાસ થવા જ દેતા નહિ. કેટલાક ઠગો ગામમાં અને તાલુકામાં સારી પદવી ઉપર યોજાયેલા હોવાથી ગુના કરનારા ઠગને કશી હરકત પહોંચતી નહિ. ગોરી લશ્કરી છાવણીમાં પણ દુકાનદાર કે શાહુકાર તરીકે ધમધોકાર કામ કરતા સભ્ય વ્યાપારીઓમાં ઠગ પણ હતા એવો પ્રત્યક્ષ અનુભવ ‘ઠગની કબૂલાત' (Confessions of a thug)ના લેખક મેડેઝ ટેલરને થયો હતો.

રાજા, રજવાડા, ઠાકોરો, નવાબો અને જમીનદારોને ઠગ લોકો તરફથી લાગા મળતા હતા, અગર રાજ્યનાં કાવતરાંમાં તેમની સહાય લેવાતી. એટલે સ્વાભાવિક રીતે દેશી રાજ્યોમાં ઠગ લોકો સલામતી ભોગવતા.

વળી તેમનાં મથકો અને થાણાં ગામેગામ અને શહેરશહેરમાં સ્થપાયેલા હતાં. કોઈ સ્થળે કોઈ વ્યાપારીની દુકાન તરીકે એ થાણું ચાલતું હોય; કોઈ સ્થળે ફકીરના તકિયામાં મથક હોય; કારીગર કે ખેડૂતનાં મકાન ઠગના ઉપયોગમાં આવતાં હોય કે કોઈ ઠાકોરઠકરાતની ગઢીમાં ઠગ લોકોને ભેગા થવાનું સ્થાન હોય. મંદિર, મસ્જિદ, વાડી, બગીચા, વાવ, આરામગૃહ : એમાંથી કયું સ્થાન ઠગનું થાણું ન હોય એ કહી શકાતું નહિ. ઈલોરાની ગુફાને ઠગ લોકો ઠગબિરાદરીનાં કાર્યોનું સંગ્રહસ્થાન માનતા. એ ગુફામાં આવેલાં ચિત્રો અને કોતરકામમાં ઠગ લોકોના રીતરિવાજ, દીક્ષા, ફાંસીના પેતરા પ્રત્યક્ષ વણવાયા છે એમ ઠગ લોકોની માન્યતા હતી.

આ મથકો ઉપરાંત પાંચ પાંચ છ છ માઈલને છેટે નાનકડા વિસામા કે ભાંગેલી છત્રીઓનાં મકાનો ઠગ લોકોનાં મથક બની જતાં. એટલે ગામનાં નાકાં અગર માર્ગ ઉપર ઠગ લોકોની સગવડ સચવાતી. ગામ બહાનાં આા અગણિત થાણાં 'બીલ' તરીકે ઓળખાતાં. પોતાના ભોગને ફાંસી આપવાની અને દાટી દેવાની જગા આ ‘બીલ' કે ‘બીલ’ની આસપાસ રહેતી. 'બીલ’નો અર્થ હિંદીમાં દર કે ગુફા થાય છે; એ જગ્યાઓ સંતાવા માટે, અગર ગુનાઓ કરવા માટે ઘણી અનુકૂળ થઈ પડતી.

ઠગ લોકો ખૂન કરતા તે પણ ભારે સિફતથી કરતા. પોતાના ભોગને ગળે રૂમાલ નાખી રૂમાલના ફાંસામાં ગળું દાબી દેવાની ક્રિયા એ ખૂન કરવાની ઠગની સ્વીકૃત રીત હતી. ઊભે ઊભે, બેઠે બેઠે અગર જમીન ઉપર મનુષ્યને નાખી તેના પગ દબાવી અસહાય બનાવી દઈ ફાંસો દેવાની કળામાં ઠગ લોકો એટલા તો પાવરધા બની ગયા હતા કે વીજળીની ઝડપે તેઓ માણસનો જીવ લઈ શકતા. સામા થવાની, બૂમ પાડવાની કે જીવતા રહેવાની તલપૂર પણ તક ઠગ લોકો આપતા નહિ. ગળે નાખવામાં આવતા