પૃષ્ઠ:Thag.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઠગ અને ભેદી ટોળીઓ: ૨૦૭
 

ફાંસા એટલા સખત અને પ્રબળ હતા કે માનવીને બદલે ઘોડા જેવા જાનવરને કંઠે તે દેવાય તો જાનવરનો પ્રાણ પણ એક ક્ષણમાં નીકળી જાય.

ફાંસી દેનાર ફાંસી દઈ મનુષ્યના પ્રાણ હરે કે તુર્ત તેની પાસેની વસ્તુઓ કબજે કરી મૃતદેહને સફાઈથી દાટી દેવામાં આવતો. મેડોઝ ટેલરની કચેરીથી માત્ર ચારસો વાર છેટે આવા મૃતદેહો દાટવામાં આવતા હતા. એમ જ્યારે તેણે જાણ્યું ત્યારે તે હબકી ગયો હતો. ઠગ લોકોને માત કરનાર કર્નલ સ્લિમાન પોતે પણ ઠગ લોકોની જુબાનીઓને માનવા તૈયાર ન હતો. પરંતુ જુદા જુદા ઠગોએ કરેલાં ખૂન અને સંતાડેલા મૃતદેહ એક પછી એક ખોલી બતાવવામાં આવ્યા ત્યારે સ્લિમાનની પણ ખાતરી થઈ કે તેની પાસે પાસે જ ઠગ લોકો પોતાનું કાર્ય બેધડક કોઈની પણ જાણ વગર કર્યો જતા હતા.

૧૧
ઉત્પત્તિ અને ઇતિહાસ

સંસ્કૃત स्थग સંતાડવું એ ઉપરથી ઠગ શબ્દ ઉત્પન્ન થયો છે. ઠગ શબ્દ અંગ્રેજી ભાષામાં કાયમ થઈ ગયો છે અને અમેરિકામાં તો ખુલ્લી લૂંટફાટ કરનાર બદમાશો માટે એ શબ્દ સ્થાયી બની ગયો છે. મૂળ તો રસ્તે જતા માણસોને ભોળવી ફાંસો દઈ મારી નાખનાર છૂપી ટોળીના સભાસદને ઠગ કહેવામાં આવતો. આ ધંધો વારસાઈમાં ઊતરતો. ઠગ બાપનો દીકરો ઠગનો જ ધંધો કરતો.

બારે માસ ઠગનું કામ કરવું એવો નિયમ ન હતો. વર્ષમાં બેચાર માસ નક્કી થાય અને જુદી જુદી ટોળીઓ નિશ્ચિત કરેલી યોજના અનુસાર નિશ્ચિત વિભાગમાં ટોળીબંધ કામ કરે. લૂંટનો ઉદ્દેશ ગૌણ હતો. માત્ર ભવાની - કાળી - ઈષ્ટદેવીની આજ્ઞા પ્રમાણે શુકન અનુસાર નીકળી રસ્તે જતા મુસાફરો, યાત્રાળુઓ, સૈનિકોને ફાંસો દઈ મારી નાખવા એ જ તેમનો મુખ્ય ઉદ્દેશ હતો, એમ અંગ્રેજ લેખકોની માન્યતા છે. જે ખૂન આ પ્રમાણે થતાં તે ભવાનીના ભોગ તરીકે ગણી લેવામાં આવતા. ભવાનીએ નિર્મિત કરેલાં મનુષ્યો જ તેમને હાથે મરે છે એવી માન્યતાને લીધે ઠગને ફાંસો દેતાં. ક્ષોભ, સંકોચ કે પાપની લાગણી ઉદ્ભવતી નહિ, બાળપણથી જ આ પ્રકારનું શિક્ષણ મળતું હોવાથી અને આવા અનેક પ્રસંગોનો અનુભવ થવાથી ઠગ લોકોનાં હૃદય રીઢાં થઈ જતાં હોવાં જોઈએ. રસ્તે મળ્યા માણસને શુકન જોઈ મારવો એટલો જ ઉદેશ હોવાથી ગરીબ, તવંગર, હિંદુ, મુસલમાન : એવા કોઈ પણ ભેદ સિવાય ખૂન કરવામાં આવતાં.