પૃષ્ઠ:Thag.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૦: ઠગ
 

દ્વારા પકડાવાયલા ઠગ લોકોના કથનની સાબિતીઓ મળવા લાગી. એટલે આ ઉપદ્રવને શાંત પાડવા બહુ જ કડક ઇલાજો લેવા માંડ્યા.

દસ વર્ષમાં ઠગ લોકોના મુખ્ય મુખ્ય સરદારો અને તેમના સાથીદારો પકડાઈ ગયા. રીતસર ન્યાયની અદાલતોથી આ કામોની તપાસ બની શકે એમ ન હતું, એટલે ખાસ અદાલતો નીમી, પુરાવાની ઝીણવટને બાજુએ મૂકી, ફાંસી અને જન્મટીપની સજાઓ દ્વારા સખત ભય ઉપજાવી ઠગ લોકોને દાબી દેવામાં આવ્યા. ઈ. સ. ૧૮૪૦માં સારી રીતે શાંતિ થઈ.

ગુજરાતીઓને આ સંબંધી એક માહિતી વાંચવી ગમશે. નિઝામ હૈદરાબાદમાં તે વખતે એક સૂબા તરીકે પેસ્તનજી નામના પારસી ગૃહસ્થ. હતા. તેમણે પણ ઈ. સ.૧૮૪૦માં નિવેદન કરી જણાવ્યું હતું કે નિઝામ રાજ્યમાં ઠગનો ત્રાસ નાબૂદ થયો છે.

ઈ. સ. ૧૮૬૬ સુધી આવાં સખત બંદોબસ્તી પગલાં લેવાયાં, અને દરમિયાન ઠગની ટોળીઓનો લગભગ નાશ થયો. છૂટાછવાયા બનતા પ્રસંગોને ટોળીઓ સાથે સંબંધ ન હતો, છતાં ઈ. સ. ૧૯૦૪ સુધી ‘સુપરિન્ટન્ટેડેન્ટ ઑફ ઠગ’નો હોદ્દો હિંદી સરકારમાં ચાલુ હતો.

વંશપરંપરાનો ફાંસિયાનો ધંધો કરનાર ઠગ સિવાય બીજા બે પ્રકારના ઠગ ઓગણીસમી સદીમાં ઊભા થયા હતા. તેમનામાં ધર્મભાવનાનો અંશ પણ ન હતો. લૂંટ એ તેમનો મુખ્ય ઉદ્દેશ હતો. મંડળના બંધન સિવાય બીજું કંઈ જ નૈતિક બંધન તેમને હતું નહિ. અલબત્ત, એક અગર બીજી રીતે ફાંસી દઈ લોકોને મારવાની પ્રથા એ બંને પ્રકારોમાં જાણીતી હતી. એક પ્રકારને સ્લિમાન ‘મેગપુનેઈઝમ'ને નામે ઓળખાવે છે. ખરું જોતા એનો ઉચ્ચાર ‘મેખ ફંદિયા' થાય છે. એકલા રૂમાલને બદલે નાની ખીંટી જેવી લાકડીમાં ફાંસો વીંટાળી તે વડે લોકોને મારવાની કરામત એ ઠગ લોકો કરતા હતા. ઈ. સ. ૧૮૨૬ માં લૉર્ડ લેકે ભરતપુરના કિલ્લાને ઘેરો ઘાલ્યો તે સમયથી આ મેખફદિયા ઠગ લોકોએ પોતાની કારકિર્દી શરૂ કરી હોય એમ જણાય છે. વણઝારાની ટોળી માફક બૈરાંછોકરાં સાથે આ લોકો ફરતા. વેપારને બહાને, સાથે બૈરાંછોકરાં અને કાંઈ મિલકત હોવાના કારણે વિશ્વાસ ઉત્પન્ન કરી તેઓ મુસાફરોને મારી નાખતા. તેમનો મુખ્ય ઉદેશ મારી નાખેલા મનુષ્યોનાં બાળકોને વેચવાનો હતો. સારા કુટુંબના માણસોને ફસાવી મારી નાખી તેમનાં બાળકો પુત્રપુત્રીઓને દૂર દેશમાં લઈ જઈ તેઓ વેચતા. બાલિકાઓ મોટે ભાગે કોઈ શોખીન જમીનદારના જનાનખાના માટે, અગર કોઈ ગણિકાને ઘેર ભારે કિંમતે વેચાતી.