પૃષ્ઠ:Thag.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૬ : ઠગ
 

અત્યંત પૂજ્યભાવથી જોતા. આ કોદાળીનું ફળ ઠગની ટોળી રાત્રે ઊભું દાટી દેતી, અને બીજે દિવસે કઈ બાજુએથી જવું તે માર્ગનું સૂચન એ ફળ યોગ્ય રીતે આપોઆપ ગોઠવાઈને કરતું એવી માન્યતા હતી. વળી એમ પણ કહેવાતું કે એ ફળ ઠગ લોકો રાત્રે કૂવામાં નાખી દેતા, અને બીજે દિવસે જ્યારે તેની જરૂર પડતી ત્યારે એ ફળ કૂવામાંથી આપોઆપ ઊછળી આવતું.

ખૂન પહેલાંની દેવીની આજ્ઞા, ખૂન માટે નીકળતા પહેલાં જોવાના શુકન, અને ખૂન પછીની કાળજીભરેલી વ્યવસ્થા છેક ઉદ્દેશરહિતપણું સૂચવતી નથી.

વળી ઠગના સંઘમાં ઠગ તરીકે ક્વચિત્ સ્ત્રીઓ પણ ભાગ લેતી હતી. ઠગની પત્ની એક સહચારિણી તરીકે ઠગપતિની ઘણી વાતો જાણતી અને છુપાવતી. પરંતુ બધી જ પત્નીઓ ઠગની સવારીઓમાં કે તેમના કાર્યમાં ભાગ લઈ શકતી નહિ.

ધર્મની આજ્ઞા વિરુદ્ધ સ્ત્રીઓને મારી નાખવાના પ્રસંગોએ જ તેમનો પરાજય કરાવ્યો એવી ઠગ લોકોની દૃઢ માન્યતા હતી. ફિરંગિયાએ જુબાનીમાં કહ્યું હતું :

‘સ્ત્રીઓને મારવાનું શરૂ કર્યું ત્યારથી અમારાં નસીબ ફરી વળ્યાં. કાલીબીબીનું ખૂન કર્યું ત્યારથી અમારી દુર્દશા શરૂ થઈ... પાંચ વર્ષ તો કાંઈ ખાસ મુશ્કેલી દેખાઈ નહિ, પણ પછી તો દુઃખનાં વાદળ ઊમટ્યાં.’

ખીમા જમાદાર નામના એક ઠગની જુબાની ઉપરથી વળી એક બીજું તત્ત્વ દેખાઈ આવે છે.

‘માબાપનું ખૂન અમે તેમનાં બાળકો દેખતાં કદી કરતા નથી.' આ બધી સાવધાની અને નૈતિક કાળજી ઉદ્દેશરહિતપણાનું સૂચન ભાગ્યે જ કરે છે.

આ લોકો પોતાના મૃત્યુ માટે કેટલા બેદરકાર હતા. તે પણ આપણે અંગ્રેજ લેખકોને જ કહેવા દઈશું. મિસિસ પ કર્સ નામની લેખિકા ઈ. સ. ૧૮૩૧માં એટલે ઠગને પકડવાની શરૂઆતમાં પચીસ ઠગને સાથે લાગી ફાંસી અપાઈ તેનું વર્ણન આપતાં લખે છે :

'It would be impossible to find in any country a set of men who meet death with more indifference than these wretches; and, had it been in a better cause, they would have excited universal sympathy.'