પૃષ્ઠ:Thag.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૮ : ઠગ
 
લીધું, બંને હાથે ફાંસો પકડી દેવીનો જયનાદ ફરી કર્યો અને ફાંસાને માથામાંથી લઈ ગળે બરાબર ભેરવ્યો. આસપાસ ભેગા થયેલા ટોળામાં ચાલતી વાતચીત સાંભળી કેટલાક યુવાન ઠગ તો માંચડા ઉપર હસવા લાગ્યા.’

મૃત્યુને આમ હસતે મુખે આવકારનાર ઠગ લોકોનાં ખૂન દેવીથી પ્રેરાયલાં, લૂંટની લાલસાથી રહિત, બહુ જ જોખમ ભરેલાં, અનેક મનાઈઓથી રક્ષાયલાં, મૃત મનુષ્યોનાં બાળકો માટે જીવનભર વાત્સલ્ય ઉપજાવનારાં હોવા છતાં ઉદ્દેશ રહિત શોખ કે રમત સરખાં હોઈ શકે ? મારો નમ્ર મત એવો છે કે ઉદ્દેશ રહિત ન જ હોય.

એ શો ઉદેશ હોઈ શકે ? રાજ, સત્તા, લક્ષ્મી, લોભ, પ્રતિષ્ઠા, વેર એ સર્વમાંથી ઉત્પન્ન થતા રાક્ષસી અન્યાયોને છૂપી રીતનાં ખૂનથી ટાળવાનો આ લાંબા સમયથી વ્યવસ્થિત ધર્મપ્રયત્ન તો નહિ હોય ?

એ ઉદ્દેશથી શરૂ થયેલા પ્રયત્નો ધીમે ધીમે બગડતા ચાલે, એમાં સ્વાર્થ ભળે, માત્ર ખૂનનો શોખ ક્વચિત્ ઉત્પન્ન થાય, એ સંભવિત છે. અને એવી પરિસ્થિતિ વચમાં ઉત્પન્ન થાય તો મંડળને ધક્કો પહોંચે જ. બ્રિટિશ રાજ્ય અમલની શરૂઆતમાં તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી. રાજ્યોની ઝડપી ઊથલપાથલ સ્વાર્થી સેનાપતિઓ અને મુત્સદીઓના કાવાદાવા, કેન્દ્રિત રાજયવ્યવસ્થાનો અભાવ કે તેની બલહીનતા, અતંત્ર વહીવટ, જીવનમાં ગુંડાગીરીને મળતા લાભ, રુશાવતખોર અમલદારશાહી : આ બધું ઓગણીસમી સદીની શરૂઆતમાં વ્યાપક બન્યું હતું. એ સ્થિતિના અન્યાયો ટાળવા અગર એ સ્થિતિનો લાભ લઈ પોતાનો સ્વાર્થ સાધવા ઠગ, લોકોનાં ટોળાં નૈતિક સિદ્ધાંતને બાજુએ મૂકી પોતાના ખૂની ધંધાને ખૂબ બહેલાવી રહ્યાં હોય એમ પણ સંભવિત છે. ઠગ કે ઠગ સંસ્થા આદર્શ રૂપ હતાં એમ કહેવાનો ઉદેશ નથી, પરંતુ તે સર્વ કાળમાં આર્દશહીન જ હતાં એમ માનવા માટે જરા પણ આધાર મળી શકતો નથી. રાક્ષસોને મારવા દેવીએ ઠગને ઉપજાવ્યા એ કથામાંથી આપણે સહજ ઉદ્દેશ મેળવી શકીએ. છીએ.

૧૪
શાક્ત મતનો ફાંટો

ભવાનીને ઇષ્ટ દેવી તરીકે સ્વીકારનાર પંથ શાક્ત મતમાં જ ગણી શકાય. બૌદ્ધ, જૈન અને હિંદુ ધર્મનાં તંત્રોએ ભેગાં થઈ શાક્ત માર્ગને વિકસાવ્યો હોય. શક્તિપૂજાનાં - શક્તિની પ્રતિષ્ઠાનાં તત્ત્વો ઠગ લોકોને