પૃષ્ઠ:Thag.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઠગ અને ભેદી ટોળીઓ : ૨૧૯
 

શાકત સંપ્રદાયી તરીકે ઓળખાવી શકે એમ છે. શક્તિસંપ્રદાયમાં ભયંકર લાગતાં કર્મકાણ્ડ હોય છે. તેમાં ગુપ્તપણું હોય છે; બંધારણની ઝીણવટ પણ હોય છે; એટલે શક્તિપૂજકોએ રાજ્ય, ધન કે સત્તાના બળનો વિરોધ કરવા માટે આવો એક ઠગનો માર્ગ વિકસાવ્યો હોય એમ લાગે છે.

મુસ્લિમોએ હિંદમાં પ્રવેશ કર્યો એટલે મુસ્લિમ ધર્મ પણ હિંદમાં પ્રતિષ્ઠિત બન્યો. છતાં ધર્માન્તર કરતા સમુદાય પોતાના સર્વ પાછલા સંસ્કારોને પૂરા ગાળી કાઢીને નવા ધર્મમાં આવી શકતા નથી. નવીન ધર્મસ્વીકારમાં પણ જૂની ધર્મભાવનાઓ એક અગર બીજે સ્વરૂપે સાથે જ ચાલી આવે છે. સાહસપ્રિય, નવીન મુસ્લિમોને હિંદુ ધર્મ પ્રત્યે તિરસ્કાર ઊપજે છતાં તેમના લોહીમાં ઊતરી આવેલી રહસ્યપ્રિયતા તેમને ઠગ જેવા ઉગ્ર અને ગુપ્ત માર્ગમાં પ્રેરી શકી એ આપણે ઠગ લોકોનાં દ્દષ્ટાંતથી જોઈ શકીએ છીએ. હિંદુમુસ્લિમ ઐક્યને અશક્ય માનનાર માટે ઠગનો ઇતિહાસ બહુ જ સૂચક છે. ઠગની સંસ્થા ગમે તેવી ગુનાઇત કૃત્યો કરનારી હતી, છતાં તેમાં એક જ ભાવથી હિંદુ-મુસલમાનો ભળી શકતા એ આજ આપણને નવાઈ લાગે એવો ઇતિહાસ છે. ઠગનો ભોગ થનાર ગમે તે ધર્મના હતા. ઠગ લોકો જેમ હિંદુને મારતા તેમ મુસ્લિમોને પણ મારતા, અને હિંદુ હિંદુનું તેમજ મુસ્લિમ મુસ્લિમનું ખૂન કરવામાં ધર્મનો જરાય વાંધો કાઢતા નહિ. મસ્જિદ આગળ વાજું વાગતાં આજ મુસ્લિમોનું મુસ્લિમપણું તીવ્ર બની જાય છે. ઠગ મુસ્લિમો ભવાનીનાં દર્શન કરતા અને ભવાનીનો જય ઉચ્ચારતા. મુસ્લિમનો પડછાયો પડતાં, મુસ્લિમ ભાષાનો શબ્દ વાપરતાં અપવિત્ર બની જતા આજના ચોખલિયા હિંદુઓએ જાણવું જોઈએ કે ઠગબિરાદરીમાં મુસલમાનો સાથે બ્રાહ્મણો ખુશીથી ભળતા અને ભવાનીની પૂજામાં મુસ્લિમોને બ્રાહ્મણો સામેલ પણ કરતા. હિંદુ અને મુસલમાન ઠગ પરસ્પરને ઓળખવા માટે જે સંકેતપુકાર કરતા તેમાંના બે પુકારો ઉપરથી જણાશે કે ઠગ લોકોએ ધર્મવિરોધને બાજુએ મૂક્યો હતો. ‘અલીખાન’ અગર ‘હરિસત’ એ શબ્દોચ્ચારથી ઠગ લોકોની અરસપરસ ઓળખ થતી. ઠગ જમાદારોનાં નામ ઉપરથી પણ જણાશે કે એ બિરાદરીમાં હિંદુઓ અને મુસલમાનો કેમ ભળતા હતા.

ફિરંગિયો બ્રાહ્મણ, માંધાતા, જવાહિર શુકલ, લાલાજી શુકલ, મોહન બ્રાહ્મણ, મહારાજ બટુક, ગુંડા તિવારી, મંડન, બ્રખુભાન વગેરે નામવાળા હિંદુ ઠગ સાથે બહેરામ, રોશન જમાદાર, ખલિલ, શેખ ઇનાયત, હૈદરખાન, શેખ નગ્ગુ, ઝુલ્ફીકાર વગેરે નામવાળા મુસ્લિમ ઠગ પરસ્પર ભારે વફાદારીથી પોતાનું કાર્ય કરતા હતા. રુકિમણી, રાધા અને મુસમબીબી સરખી સ્ત્રીઓએ પણ પોતાનો ભાગ એમાં ભજવ્યો છે, અને