પૃષ્ઠ:Thag.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઠગ અને ભેદી ટોળીઓ: ૨૨૧
 

અનેક પ્રસંગો વેરાયેલા છે. એનો અભ્યાસ નિરર્થક નીવડે એમ નથી. ઠગની ટોળીએ અનેક નિર્દોષ માણસોનાં ખૂન કર્યા છે એમ મનાય છે. હશે, એ માટે તેને દોષ દઈએ - જો એ ખૂન નિર્દોષનાં જ હોય તો. જંગીસ અને તૈમુરે કતલ કરેલાં માનવીની ખોપરીના મિનારા બાંધ્યા કહેવાય છે. એ મિનારાઓને નીચા પાડી દે એવા ભવ્ય મિનારા માનવીઓનાં શિર્ષમાંથી આજની ગોરી પ્રજા રચી રહી છે ! ઠગ લોકો માનવીને ગૂંગળાવી એક પળમાં તેની જીવનદોરી તોડી નાખતા, દુશ્મનને રિબાવી રિબાવીને મારતી પશ્ચિમની સુધરેલી પ્રજામાં એ રહેમ હજી આવી નથી. ઠગ લોકોને ધર્મનું બહાનું હતું; પશ્ચિમની પ્રજાને ધર્મનું બહાનું છે જ નહિ. સંપૂર્ણ નફટાઈથી તે કાયદેસર કહેવાતાં ખૂન કર્યો જાય છે ! ઠગ લોકો સહુને મારતા નહિ; સ્ત્રીબાળકને તો તેઓ અવશ્ય અવધ્ય માનતા. પશ્ચિમની પ્રજા સ્ત્રી, બાળક, વૃદ્ધ, અપંગ કોઈને ઓળખતી નથી. બૉમ્બ ફેંકી તે બધાંયને બાળી મૂકે છે ! આજની હિંસક પશ્ચિમની પ્રજાઓ કરતાં શું ઠગની ટોળીઓ વધારે ક્રૂર, વધારે અન્યાયી અને વધારે ઘાતકી હતી ?

કલ્પના એમાં પ્રસંગ શોધે અને વાર્તા રચે એવું સાહિત્ય છે. મેં વાર્તાનું અવલંબન ઠગની સંસ્થામાંથી લીધું છે. એ વાર્તામાં હિંદવાસીઓનો મધ્ય એશિયા સાથે સંબંધ હોવાનો ઉલ્લેખ કર્યો છે. હિંદવાસીઓના પ્રવાસ અને દેશાંતરગમન માટે આપણાં ભૂલભરેલા વિચારો પ્રવર્તે છે. આપણે અટકની બહાર નીકળતા જ ન હતા. એવી માન્યતા આપણામાં પ્રચલિત છે. આ માન્યતા અંશતઃ એક ભ્રમ છે. આપણા હિંદવાસીઓ, અને તેમાંયે હિંદુઓ ખુશકી માર્ગે પણ કેટલે દૂર પહોંચી જતાં તેનું વર્ણન ધી જર્નલ ઓફ ધી ગ્રેટર ઇન્ડિયા સોસાયટીના જુલાઈ ૧૯૩૭ના અંકમાં શ્રી ડિસ્કળ કરના એક લેખમાં આપેલું છે. જ્યોર્જ ફોરસ્ટર નામના અંગ્રેજ મુસાફરે બંગાળાથી ઈગ્લાંડ સુધી ત્રણ વર્ષની પગરસ્તે મુસાફરી કરી હતી. એ મુસાફરી ઈ. સ. ૧૭૮૨થી ૧૭૮૪ સુધીમાં તેણે કરી. અફઘાનિસ્તાન અને રશિયામાં તે સમયે હિંદુઓ હતા એવો તેણે કરેલો ઉલ્લેખ આપણા ભ્રમને દૂર કરશે, અને મેં સૂચવેલા પ્રસંગના ઐતિહાસિક વાતાવરણ માટેની શંકાનું સમાધાન કરશે.

ફોરસ્ટરની મુસાફરીના પુસ્તકના પાન ૨૯૧ ઉપરનું લખાણ સાથેના પરિશિષ્ટ બીજામાં આપ્યું છે. ઠગને દાબી દેવાના કંપની સરકારના પ્રયત્ન પહેલાંનાં પચાસ વર્ષ પહેલાંનું એ ચિત્ર છે.