પૃષ્ઠ:Thag.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬: ઠગ
 

પેલા યુવકે મારી પાછી પડેલી દૃષ્ટિનો લાભ લઈ મારા હાથને મજબૂત પકડ્યો. આટલું બળ આ છોકરામાં હશે એમ મેં ધાર્યું નહોતું. હાથને સખત ઝાટકો લાગતાં મારી પકડ હલકી થઈ ગઈ અને છરો નીચે પડ્યો.

છરો નીચે પડ્યો અને હું લેવા ગયો. પરંતુ તરત જ યુવકે મારો હાથ છોડી દીધો. મને હિંમત આવી. મેં ફરી ગંભીરતાથી કહ્યું : ‘મને છેતરીને મારો છરો તમે પડાવી નાખ્યો છે, પરંતુ તમે તંબુમાં છો એ યાદ રાખજો. મને પૂરી હકીકત જણાવ્યા વિના તમે અહીંથી સહીસલામત જઈ શકશો નહિ.’

‘હું કોઈને જ છેતરતો નથી !' તેણે કહ્યું. ‘એ કામ ગોરાલોકો વધારે સારી રીતે કરી શકતા લાગે છે.’

તેના મહેણાથી હું જરા શરમાયો. પરંતુ હજી તેને ડરાવવા મારું મન લલચાતું હતું. તેની સ્થિરતા મને ક્રુદ્ધ બનાવી રહી હતી. મેં આંખ કપરી કરી કહ્યું :

‘તમને ગોરા લોકો ન ગમતા હોય તો હું તત્કાળ તમને કાળા માણસોને સોંપી દઈશ.’

આથી ધમકીનો અર્થ પણ સરશે, અને બહાર મારા માણસો તૈયાર છે કે નહિ તેની ખાતરી પણ થશે, એવા વિચારે હું પાછો ફર્યો અને તંબુના દ્વાર તરફ જવા મેં એક ડગલું ભર્યું.

ડગલું ભરતાં જ એક ભયાનક વાઘ મારી પાછળ ઊભેલો મેં જોયો, અને હું ભયભીત થઈ ગયો. અલબત્ત મને યાદ આવ્યું કે ગઈ કાલે આવો જ એક વાઘ યુવકના કહેવાથી ચાલ્યો ગયેલો મેં જોયો હતો; છતાં હું એકાએક મારી ખુરશી ઉપર બેસી ગયો.

યુવક મારી આ ગભરાયલી સ્થિતિનો લાભ લેવા માગતો ન હોય તેમ મને કહેવા લાગ્યો :

‘સાહેબ ! આપ ઉતાવળા ન થાઓ. હું કોણ છું એ આપ વખત આવ્યે જાણી શકશો. દરમિયાન હું તમારો દુશ્મન નથી પરંતુ મિત્ર છું એમ ખાતરીથી માનીને ચાલજો.’

‘હું ઠગ લોકોને મારા મિત્ર તરીકે કેમ ગણી શકું?' મેં જવાબ આપ્યો.

‘હું ઠગ છું એવું તમે શા ઉપરથી કહો છો ?' તેણે પ્રશ્ન કર્યો.

‘ગઈ રાતનો ફાંસો હજી મારી પાસે કાયમ છે.' મેં જણાવ્યું.

‘ડાકુઓ અને ખૂનીઓ છરા રાખે છે અને છરાનો ઉપયોગ પણ કરે છે. આપે પણ તે વાપરવા આજે પ્રયત્ન કર્યો. હું શું તમને ખૂની કે ડાકુ તરીકે