પૃષ્ઠ:Thag.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
 
મૂંઝવણ
 


‘સંભવિત છે.’ તેણે જવાબ આપ્યો. 'પરંતુ આપ આવતી કાલ સુધીમાં જો આ છાવણી અહીંથી ઉઠાવી નહિ લ્યો તો જે પરિણામ આવશે તે એટલું જ ભયંકર બનશે.’

‘પણ મારે તેનું કારણ જાણવું જોઈએ. ફક્ત તમે કહો એટલા ઉપરથી હું આવી સારી જગા છોડી શકીશ નહિ. યુદ્ધનો મને પણ અનુભવ છે. ઠગ લોકોને આ જગ્યાએ રહીને કાબૂમાં લાવી શકાય એમ છે.' મેં કહ્યું.

‘ભલે, આપની ઇચ્છા. હું હવે જઈશ. મારી સલાહ માનવી ન માનવી એ તમારી મરજીની વાત છે. માત્ર એક મારી માગણી છે : હું તમારો અંગત મિત્ર છું એ વાત કદી ભૂલશો નહિ.’ આમ કહી તે ઊભો થયો. તેની નજીકમાં બેઠેલા ‘રાજુલે' પણ ઊભા થઈ આગળ ચાલવાનું શરૂ કર્યું. આટલું બધું સૌંદર્ય, આટલી બધી સરળતા ! અને સાથે સાથે ભયંકર ભેદીપણું ! આ બાળક જેવા લાગતા યુવકમાં એ સર્વ શી રીતે સમાયું હશે? તેને મારી સાથે શો સ્વાર્થ કે સંબંધ હશે કે જેથી તે મારો મિત્ર થવા માગે છે?

આ વિચારો તેને તંબુમાંથી વિદાય કરતાં કરતાં મને આવી ગયા. મેં તેને જતે જતે ખાતરી આપી કે તેણે મને પણ પોતાનો મિત્ર સમજવો. - જોકે સાથે સાથે મેં એ પણ કહ્યું કે ફરજ અદા કરવામાં મિત્રાચારીનો પણ ભોગ આપવો જોઈએ. નિર્ભયતાની મૂર્તિ સરખો તે વગર સંકોચે મારી છાવણીમાંથી બહાર જઈ રાતના અંધકારમાં અદૃશ્ય થયો.

આટલેથી મારું મન માને એમ નહોતું. આ યુવકને આમ ને આમ જવા તો ન જ દેવો જોઈએ એમ મને લાગ્યું. એના સંબંધમાં ચોક્કસ બાતમી મેળવવી જ જોઈએ એ વિચાર મને પીડવા લાગ્યો. મેં બૂમ મારીને મારા એક વિશ્વાસુ અંગરક્ષક દિલાવરને બોલાવ્યો.

દિલાવરને એક અત્યંત બહાદુર અને યુક્તિબાજ સૈનિક તરીકે હું જાણતો હતો. પ્રાણાન્તે પણ તે પોતાનું કામ પાર પાડશે એવો મને તેના ઉપર વિશ્વાસ હતો. દિલાવર આવી મારી પાસે સલામ કરી ઊભો રહ્યો.