પૃષ્ઠ:Thag.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મૂંઝવણ: ૨૧
 


‘દિલાવર ?’ મેં કહ્યું, ‘મારી પાસે હમણાં એક ભયંકર માણસ આવી ગયો. તું જાણે છે ?’

‘જી, હા.' તેણે જવાબ આપ્યો અને ઉમેર્યું : ‘મને લાગ્યું કે તે બાતમીદાર છે.'

‘તારી ધારણા ખરી છે.' મેં ભેદ ન ખોલતાં જણાવ્યું. ‘છતાં મને તે બાતમીદાર ભયંકર લાગે છે. તું એની પાછળ દોડ, અને એની હિલચાલ ઉપર નજર રાખ. વખતોવખત મને ખબર કરતો રહેજે. જલદી જા, નહિ તો તેનો પત્તો લાગવો મુશ્કેલ છે.'

‘જેવી હજૂરની મરજી !’ કહી સલામ કરી દિલાવર દોડ્યો, અને અંધકારમાં તે પણ ગુમ થયો.

હું સૂતો. પરંતુ મને યુવકનાં જ સ્વપ્ન આવ્યાં કર્યા. સવારમાં હું મોડો ઊઠ્યો. ગવર્નર જનરલ તરફ મેં એક ગોળ ગોળ નિવેદન મોકલ્યું અને તેમાં જણાવ્યું કે મિસ પ્લેફૅર સંબંધી ચોક્કસ બાતમી મળી છે અને તે જીવે છે; ઉપરાંત ‘ચંદ્રિકા’ હીરો ચોરાયેલો તે પણ મારા જોવામાં આવ્યો છે, અને તે મેળવવાની તૈયારીમાં જ અમે બધા છીએ. એ હકીકત લખી કાગળ રવાના કર્યો.

બપોર થતાં અમારી છાવણીમાં એકાએક ગભરાટ છવાઈ રહ્યો. સૈનિકો આમતેમ જવા લાગ્યા. સહુના મોં ઉપર મેં વ્યાકુળતા જોઈ. એટલામાં જ મારા મદદનીશે દોડતાં આવી મને જણાવ્યું કે ખજાનો લૂંટાઈ ગયો હતો.

આજે સરકારી ખજાનો આવવાની રાહ જોવાતી હતી. અમારી પાસેના પૈસા ખૂટી ગયા હતા; એટલે રીત મુજબ આખા લશ્કરને પગાર અને ખોરાકી મળે એ માટે લગભગ ત્રણ લાખની રકમ અમારા તરફ આવવાની હતી.

હું એકદમ ઊભો થઈ ગયો. 'શું કહો છો ?' મેં ઉશ્કેરાઈને પૂછ્યું. ‘આપણાથી આપણો પૈસો પણ સચવાતો નથી, તો હવે લશ્કરો ઊભાં કરી રૈયતને ઠગના ત્રાસમાં છોડાવવાનો ડોળ કરવો મૂકી દેવો જોઈએ !’

મારો મદદનીશ બોલ્યા વગર ઊભો રહ્યો. ઠપકો સહન કરવાની તૈયારી કરીને જ તે આવ્યો હતો. ખજાનો ક્યાં લૂંટાયો, કોણે લૂંટ્યો, વગેરે પ્રશ્નો મેં કરવા માંડ્યા. તેણે જવાબ આપ્યો :

‘ખજાના ઉપરના પહેરાનો નાયક બહાર ઊભો છે. તે ખબર લાવ્યો. મેં બીજી હકીકત પૂછી જ નથી. કહો તો અંદર બોલાવું.’