પૃષ્ઠ:Thag.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨: ઠગ
 


મેં નાયકને અંદર બોલાવવા કરતાં તંબુની બહાર જવાનું પસંદ કર્યું. હું તથા મારો મદદનીશ બંને બહાર ગયા. નાયક ઊભેલો જ હતો. તેણે લશ્કરી ઢબે મને સલામ કરી. હું ચિડાયો.

‘નાયક ! તમે આ ખબર લાવ્યા ?' મેં બૂમ મારી પૂછ્યું. તેણે શરમમાં ડોકું નીચું નમાવ્યું.

‘તમને હથિયાર આપ્યાં છે તે વાપરવા માટે આપ્યાં છે, એ તો ખબર છે ને ?' મેં ટોણો માર્યો.

‘હજૂરને હથિયાર વાપર્યાની હું ખાતરી આપી શકું એમ છું.' તેણે જવાબ આપ્યો. તેના શરીરમાં લોહી વહેતું હતું, માથામાં પડેલો ઘા દેખી શકાતો હતો અને તેનાં કપડાં રુધિરથી ભીનાં થયેલાં હું જોઈ શકતો હતો. આવા બહાદુર સિપાઈને ઠપકો આપવો એ તેને અન્યાય કરવા જેવું મને લાગ્યું.

તેને સારવારની વધારે જરૂર હતી. મેં કહ્યું : ‘ચાલો, જે થયું એ ખરું. એ લોકોને ઠેકાણે લાવવા પડશે. ક્યાં આગળ તમે લૂંટાયા ? અને કોણે લૂંટ્યા ?'

‘હજૂર ! બહુ નજદીકમાં જ લૂંટ થઈ. અહીંથી અડધો ગાઉ પણ નહિ હોય. લૂંટારાઓને તો હું ઓળખી શક્યો નહિ, પરંતુ પચાસેક માણસો હથિયારબંધ હતાં.' તેણે જવાબ આપ્યો.

મેં એકદમ રણશિંગડું ફૂંકાવરાવ્યું, નાયકને સારવાર માટે મોકલી દીધો, અને લશ્કરને તૈયાર કરી ચારેપાસ ફરી દુશમનોનો અને ખજાનાનો એકદમ પત્તો મેળવવા હુકમ આપી દીધો. લશ્કરીઓમાંથી કેટલાક જમ્યા હતા અને કેટલાક જમતા હતા. તે સર્વ પોતપોતાની ટુકડીઓમાં ભેળવાઈ ગયા અને પા કલાકમાં આખું લશકર તૈયાર થઈ ઊભું.

મેં મોટે અવાજે જણાવ્યું :

“આજ તમારી નજીકમાં જ બદમાશોએ તમારો ખોરાક ઝુંટવી લીધો છે. એ બદમાશો નજીકમાં જ છે એટલે તમે બહાદુરી બતાવશો તો રાત પહેલાં તેમને પકડી સજાએ પહોંચાડી શકશો. કંપની સરકારનું લશ્કર કદી પાછું પડતું નથી. જો ખાલી હાથે આવશો તો તમે સરકારના હથિયાર પકડવા લાયક રહ્યા નથી એમ માની તમને સઘળાને હું ખેતી અને મજૂરી કરવા પોતપોતાને ઘેર મોકલી દઈશ.’

આટલું કહી છાવણીમાં રક્ષણ માટે થોડાક સૈનિકો રાખી આખા લશ્કરને મેં આજ્ઞા આપી. ચારે બાજુએ યુક્તિસર કેમ વેરાઈ જવું અને