પૃષ્ઠ:Thag.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

 
અણધારી હાર
 


મારા ચિત્તને બિલકુલ ચેન નહોતું. ખજાનો લૂંટાય જ કેમ ? મારે નીચું જોવા પ્રસંગ આવ્યો. ઠગ લોકોને નાબૂદ કરવાનું તો બાજુએ રહ્યું, પણ નાબૂદ કર્યાની જાહેરાત કરવા બરોબર ઊલટ અમારો જ ખજાનો તેમના હાથમાં ગયો ! જે બ્રિટિશ પ્રજાએ પેશ્વાઈનો અંત આણ્યો હતો, જેણે સિંધિયા-હોલ્કર નિઝામ વગેરેને પોતાના અંકુશમાં રાખ્યા હતા, જેણે ટીપુ સુલતાન જેવાને હણી તેનું રાજ્ય બીજાને બક્ષિસ કર્યું હતું, એવી પ્રજાનો હું પ્રતિનિધિ શું ઠગ જેવા મિસ્કીનોથી હારી બેસીશ ?

‘નહિ, નહિ !' હું લગભગ બોલી ઊઠ્યો. જાતિઅભિમાને મારા હૃદયને દૃઢ બનાવ્યું. જાતિઅભિમાને અમારી પ્રજા પાસે અનેક મહાન કાર્યો કરાવ્યાં છે. હરકત નહિ, હું પણ એ જ બ્રિટિશરોમાંનો એક છું. મારા બાહુમાં બળ છે અને હૈયામાં હિંમત છે. એવા લાખો ઠગ હશે તોપણ શું ? મોટાંમોટાં રાજ્યોને નમાવ્યાં તો આવા ચોરીછૂપીથી રહેનારા ઠગ લોકોની શી વિસાત ?

‘આમ જાતિઅભિમાનના પ્રફુલ્લ પ્રેરક વિચારોમાં મેં મારી નિરાશા દબાવી. વચ્ચે વચ્ચે પેલા ગૂઢ યુવકના વિચારો પણ આવતા હતા એ કહેવું જોઈએ. સંધ્યાકાળ થવા આવ્યો પરંતુ મોકલેલી ટુકડીઓમાંથી એક પણ પાછી ન આવી. મારી ખાતરી હતી કે પોતાનું કામ સાધ્યા વિના તેમનાથી પાછું અવાય જ નહિ.

અચાનક મારી છાવણીમાં ભયનું રણશિંગુ વાગ્યું. હું ચમક્યો. વળી શી આફત આવી હશે ? તંબુની બારી મેં ઉઘાડી અને જોઉ છું તો અંધકારમાં સમાતી મારી છાવણીમાં ચારે બાજુએથી ભડકા ઊઠી રહ્યા છે !

આગ લાગી શું ? હું બહાર દોડી આવ્યો. મારાં રહ્યાંસહ્યાં માણસોએ કોલાહલ મચાવ્યો, હથિયારથી સજ્જ થયેલા કેટલાક સૈનિકો મારું રક્ષણ કરવા મારી પાસે આવી ગયા, મને શક પડ્યો કે દુશ્મનો અહીં આટલામાં જ હશે અને આ ગભરાટનો લાભ લઈ અમારા ઉપર તૂટી પડ્યા હશે. એક બાજુએથી અગ્નિ અને બીજી બાજુએથી દુશ્મન, એમ બંને સામે યુદ્ધ કરવાનો ભયંકર પ્રસંગ અમારે માટે આવ્યો. માણસો પૂરતા હતા નહિ