પૃષ્ઠ:Thag.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
 
આયેશા
 


અંધારામાં અમે બંનેએ ઘોડા પૂરપાટ મૂકી દીધા. ઘોડા પણ શરતે ચડ્યા હોય તેમ હરીફાઈમાંથી એકબીજા આગળ રહેવાનો પ્રયત્ન કરતા હતા. જોતજોતામાં અમે ગાઉના ગાઉ કાપી નાખ્યા. આ વૃદ્ધની વૃદ્ધાવસ્થા તેથી ઘોડેસ્વાર તરીકેની ઉમદા રમતમાં આડે આવતી નહોતી. એ જોઈ મને નવાઈ લાગી. આટલી ઝડપથી આટલા લાંબા વખત સુધી મેં કદી મુસાફરી કરી નહોતી. હું હવે થાક્યો અને મારો શ્વાસ ભરાવા લાગ્યો. વૃદ્ધ સાધુએ એટલામાં ઘોડાને ધીમો પાડી દીધો. સ્વાભાવિક રીતે જ મારો ઘોડો પણ ધીમો પડ્યો.

‘બહુ થાક લાગ્યો. ખરું ?’ વૃદ્ધે પૂછ્યું.

'આટલી ઝડપથી અને આટલી લાંબી સ્વારી મેં કરી નથી.' મેં કહ્યું.

‘ઘોડાને આટલો વેગ ન આપ્યો હોત તો તમે જરૂર પકડાઈ જાત. ઠગ લોકો તમારી પાછળ પડ્યા છે.' તેણે કહ્યું. ધીમે ધીમે ચાલતા પોતાના ઘોડાને ગરદન આગળ થાબડી તેના તરફનો પ્રેમ વૃદ્ધ સાધુએ વ્યક્ત કર્યો અને એક યુવકને શરમાવે એવા ગર્વથી તેણે કહ્યું :

‘ઘોડેસ્વાર બનવું એ જીવનની અજબ મોજ છે. હું ઘોડે બેસું છું એટલે વૃદ્ધનો યુવાન બની જાઉ છું.’

મેં તેના ઘોડાનાં અને તેનાં વખાણ કર્યા.

મધ્યરાત્રિ વીતી ગઈ લાગતી હતી. અંધકારમાં પાસે જ મકાનો જણાવા લાગ્યાં. મને લાગ્યું કે અમે કોઈ ગામમાં થઈને પસાર થઈએ છીએ. મને વળી સહજ થાક લાગ્યો હતો; અને કદાચ આ વૃદ્ધ માણસ કોઈ ઓળખીતાને ત્યાં જઈ મને આરામ લેવા દે એવો મને વિચાર થયો. પરંતુ વૃધ્ધે કોઈને ઉઠાડવાનો પ્રયત્ન ન કર્યો. શાંત સૂતેલી વસતિમાં થઈને અમે ગામની બહાર નીકળ્યા.

‘આખું ગામ ઠગ લોકોનું છે.' ગામ બહાર નીકળીને વૃદ્ધે મને સૂચના આપી. હું કંપી ઊઠ્યો.