પૃષ્ઠ:Thag.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦ : ઠગ
 

લેતું હતું તે હીચની ગંભીર છતાં સુકુમાર લઢણ યુરોપીય સ્ત્રીની વ્યગ્ર, ચંચલ અને કૃત્રિમ ચાલમાં મેં કદી ભાળી નથી.

તે ઓરડામાં દાખલ થઈ કે સાધુ ઊભો થયો. તેની આંખ સહજ ચમકી, તેનું મુખ સહજ ગંભીર થયું અને નીચું જોઈ તેણે કહ્યું :

‘આયેશા ! હું બહુ અણધાર્યો આવ્યો છું.’

જવાબમાં આયેશાએ આંખો જમીન સામેથી લઈ સાધુના મુખ ઉપર સ્થાપી. પૂર્વના દેશોમાં વસતી સુંદરીઓની આંખ હમેશાં ઘેરી, ગહન અને શાંત, સાગર સમી હૃદયના ભાવ સંતાડનારી લાગે છે. છતાં આયેશાની આંખમાં વૃદ્ધ સાધુને જોઈ કાંઈક એવું માર્દવ અને માધુર્ય તરી આવ્યું કે તે જોઈ હું ચમકી ઊઠ્યો.

'યુવાન અપ્સરા અને વૃદ્ધ સાધુ ! શો સંબંધ હશે ?' મારા મનમાં મેં પ્રશ્ન કર્યો.

આયેશાએ સાધુને કાંઈ જવાબ ન આપ્યો. તેણે માત્ર સામું જ જોયું.

‘એક બહુ જરૂરનું કામ છે. તારા સિવાય કોઈ માથે લે એમ નથી.’ સાધુએ આંખ નીચે જ રાખી જણાવ્યું.

‘એમાં પૂછવાની શી જરૂર છે ?’ આયેશાએ જવાબ વાળ્યો. તેનો કંઠ સૌંદર્યને શોભાવે એવો જ મધુર હતો.

‘તમારા દુશ્મનને આજની રાત આશ્રય આપવાનો છે. બની શકશે?' સાધુએ પૂછ્યું.

‘આશ્રય આપવામાં દોસ્ત કે દુશ્મનનો ફેર આપણે ક્યાં રાખીએ છીએ ? મહેમાનને માટે મારું ગરીબખાનું સદાય ખુલ્લું છે.’ આયેશાએ કહ્યું.

‘આ સાહેબને હવેલીની કોઈ પણ છૂપી જગાએ સંતાડી રાખ. આવતી કાલ રાત સુધીમાં હું તેમને પાછા લઈ જઈશ.’ સાધુએ જણાવ્યું.

‘અને આપને અત્યારે જવું છે ? રાત અંધારી છે અને આટલી ઠંડી પડે છે. નહિ જાઓ તો નહિ ચાલે ?’ આયેશાએ પૂછ્યું.

તેના બોલવામાં જે આર્જવ રહેલો હતો. તેણે મારા કુતૂહલમાં વધારો કર્યો. આ આર્જવમાં કોઈ સ્નેહીનાં આગ્રહ અને માધુર્ય મને જણાયાં. મેં મારા મનને ઠપકો દીધો. શું હું પોતે જ આ સ્ત્રી ઉપર મોહ પામી ગયો તો ન હતો ? નહિ તો આવા વૃદ્ધ સાધુ તરફ વિનય અને વિવેકથી વર્તન ચલાવતી આ સુંદરીના આર્જવમાં મને કોઈ ગુપ્ત પ્રેમના ભણકારા કેમ સંભળાય ? હું પોતે જ દૂષિત હતો એમ મને લાગ્યું, છતાં મારા મનનું