પૃષ્ઠ:Thag.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આયેશા : ૩૧
 

સમાધાન થયું નહિ. ઠગની દુનિયામાં પ્રેમનાં નાટક ભજવાતાં હશે ખરાં?

સાધુ સહજ હસ્યો અને બોલ્યો :

‘અહીં મારાથી રહેવાય એમ નથી. અત્યારે તો પાછા જવું પડશે.’

‘મને એકલો મૂકી આ સાધુ ક્યાં જશે ? મને પહેલેથી દુશ્મન તરીકે તેણે ઓળખાવી દીધો જ હતો. શું મને તે કેદ કરવા માગતો હતો ? હું શા માટે સાધુનું કહેવું માનીને આવ્યો હોઈશ ? આવા આવા વિચારો મને એકાએક સ્ફુરી આવ્યા.

‘આયેશા ! હું જાઉ છું ત્યારે. સાહેબને કશી અડચણ ન પડે એ જોજે.'

‘કાલે તો આવશો ને ?’ આયેશાએ પૂછ્યું.

‘હા, રાત સુધીમાં પણ આવીને સાહેબને લઈ જઈશ.' કહી સાધુએ નીચી રાખેલી આંખ સહજ ઊંચકી અને આયેશા તરફ જોયું. તત્કાળ તેણે ફરી આંખો નીચી નમાવી અને ઓરડાની બહાર જવા માંડ્યું. જતે જતે પાછા ફરીને મને કહ્યું :

‘અહીં નિશ્ચિંત રહેજો. તમને કશી હરકત આવવાની નથી.' આટલું કહી તેણે ઓરડાની બહાર પગ મૂક્યો, અને મારી દૃષ્ટિ બહાર ચાલ્યો ગયો.

આયેશાએ તે બાજુ તરફ ટગર ટગર જોયા કર્યું.

થોડીક ક્ષણો બાદ મને આયેશાએ તેની સાથે જવા સૂચવ્યું. મારે માટે બીજો ઇલાજ નહોતો એટલે તેની પાછળ મેં ચાલવા માંડ્યું. ત્રણચાર સુંદર શણગારેલા ઓરડાઓમાં થઈને મને લઈ જવામાં આવ્યો. મેં તે યુવતીને વાતમાં ઉતારવા અને બને તો મારી અહીં કેવી સ્થિતિ છે તે જાણી લેવા પ્રયત્ન શરૂ કર્યો, પરંતુ કોઈ પણ રીતે સ્પષ્ટતા થાય એવા ઉત્તર તેણે આપ્યા નહિ. તેના મુખ ઉપરથી મને લાગ્યું કે તે ગમગીન હતી. શા કારણથી ? પેલો વૃદ્ધ સાધુ ચાલ્યો ગયો માટે ? આવા વૃદ્ધ તરફ કોઈ યુવતીને મોહ હોય? અલબત્ત, એ સાધુ કાંઈ નિર્માલ્ય ડોસો ન હતો. મારા કરતાં તે વધારે સારી રીતે ઘોડે બેસી શક્યો હતો. શું હશે ?

નમનતાઈ અને વિવેકથી સુંદરતાભર્યા અસ્પષ્ટ જવાબો આપતી આયેશા મને એક નાની ઓરડીમાં લઈ ગઈ. ઓરડીની બારીઓ તેણે ખોલી દીધી, એક પલંગ ઉપર આરામ લેવા મને સૂચવ્યું, અને મારે અહીં છૂપી રીતે રહેવાનું હતું એ વાત મારા ધ્યાન ઉપર લાવી તે મુજબ વર્તન રાખવા તેણે મને જણાવી દીધું.

તે ગઈ અને ઓરડીને બારણે તાળું લાગ્યું. હું આ જગાએ કેદી થયો,