પૃષ્ઠ:Thag.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
 




 
પ્રેમના ભણકાર
 


હું ઓરડીમાં હવે બરોબર પુરાયો. મારી મૂંઝવણ વધી. બહાર માણસો આવ્યાની પૂરી ખાતરી થાય એટલી ઘરમાં ધમાલ થતી હતી. મારી શી સ્થિતિ હોઈ શકે ? અહીંથી છૂટી જાઉં તોપણ હું મારી સરકારને શો જવાબ દઈશ ? વધારે વિચિત્રતા તો એ હતી કે હું ખરેખર હાર્યો છતાં મને બચાવવાનો ચોખ્ખો પ્રયત્ન થતો હતો. એવા પ્રયત્નનું કારણ ? વિચારમાં ને વિચારમાં મેં ઘણો સમય વિતાવ્યો. વળી મારે અહીંથી નાસવાની જરૂર પડે તો ? મારે ક્યાંથી નાસવું ? એ વિચાર આવતાં હું ઊભો થઈ ગયો અને ઓરડીમાં ચારેપાસ ફરવા લાગ્યો. બારી આછી ઉઘાડીને મેં બહાર પણ જોયું. નાસવાનો એક પણ માર્ગ મને જડ્યો નહિ.

બપોર થઈ ગયા. દુઃખમાંથી છૂટવાનો કાંઈ જ માર્ગ રહે નહિ ત્યારે મનુષ્યને દુઃખ સાથે દોસ્તી બંધાય છે તે એક પ્રકારની નિશ્ચિંત વૃત્તિ અનુભવે છે. નાસી છૂટવાની આશા છોડતાં હું સૂઈ ગયો. પણ હું જાગ્રત કેમ થયો ? અસ્પષ્ટ સ્વપ્ન આવ્યું હતું શું ? કે મારા જ... ઓરડાની જોડે કોઈ માણસો વાતો કરતા હતા. તે વાતોએ મને જાગ્રત કર્યો હતો ? મારું મન ઉશ્કેરાયું અને જ્યાં વાત ચાલતી હતી. ત્યાં આગળની ભીંતે કાન માંડી હું ઊભો રહ્યો.

‘આયેશા ! એક જ શરત છે - જો તારે બચવું હોય તો.' એક અવાજ આવ્યો.

‘હું મારા બચાવ માટે શરત કરતી જ નથી. અને મારો બચાવ ? મારા ઘરમાં કાંઈ પણ પૂછવાનો તમને અધિકાર નથી.’

આયેશાના અવાજ તરીકે એ સાદને મેં ઓળખ્યો.

‘તારું ઘર ?’ સામા માણસે પૂછ્યું.

‘અલબત્ત, મારું !' આયેશા બોલી.

‘જો આ રૂમાલ ! અને પછી કહે છે કે ઘર તારું છે.’

રૂમાલ શબ્દનો ઉચ્ચાર સાંભળી મારું શરીર આપોઆપ સંકેલાયું. એક રૂમાલ મારે ગળે વીંટાયો હતો. એવો જ રૂમાલ શું પેલા યુવકની પાસે