પૃષ્ઠ:Thag.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪ : ઠગ
 

હતો ? રૂમાલ એ ઠગ લોકોનું શું સંકેતચિહ્ન હશે ?

‘ભલે. તમને ખબર તો હશે કે ઉપભોગ કરવા હું ના પાડતી નથી. પરંતુ હું ઘરમાં શું કરું છું તે પૂછવાનો તમને હક્ક નથી.' આયેશાએ જણાવ્યું.

'તને ખબર તો હશે કે ભવાનીના અનુયાયીઓથી અરસપરસ વાત છૂપી રાખી શકાય નહિ. કાંઈ પણ છૂપું રાખવું એ પણ ગુનો છે. એ જ ગુના માટે ફરીદખાન અને ગુલાબસિંહનો ભવાનીને ભોગ અપાયો તે યાદ છે ને?'

હું કંપી ઊઠ્યો. આવી ક્રૂરતા ! શું આયેશાને મારે માટે આ સજા ભોગવવી પડશે ?'

‘પણ મારે છુપાવવાનું કાંઈ છે જ નહિ. શા માટે નાહક જીદ કરો છો?’ આયેશાએ સહજ ચીડથી કહ્યું.

‘આ ઓરડી ખોલ એટલે સાબિત થશે કે તે કોને છુપાવ્યો છે. આયેશા ! હું બધું જાણું છું. હું જરૂર તારા ભાઈની સમક્ષ આ વાત જાહેર કરીશ. સ્ત્રીઓ પણ સજામાંથી બચતી નથી તે તું જાણે છે.’

‘હા, હું જાણું છું. પરંતુ તમારાથી મને સજા થાય એમ નથી. અને મારો બચાવ કરનાર વળી તમે કોણ ?’

‘તેની તને સમજ પૂરી પડે છે છતાં નાહક આગ્રહ લઈ તું બેઠી છે ! બચવું હોય માત્ર એક શરત છે.' પુરુષના અવાજમાં વિજયનો રણકાર રમી રહ્યો હતો.

આયેશા થોડો વખત સુધી કાંઈ બોલી નહિ. પોતાની ધમકી તેની ઉપર શી અસર ઉપજાવે છે તે જોવા રાહ જોતો પુરુષ પણ કાંઈ બોલ્યો નહિ. થોડી વારે પેલા પુરુષનો ઉચ્ચાર સંભળાયો :

‘આયેશા ! તું ઘણી જ ક્રૂર છે.’

'મેં કદી ક્રૂરતા કરી નથી.' આયેશાએ કહ્યું.

‘મારું તલપતું જિગર તેં જોયું છે. મારી આંખમાંથી ખૂનનાં બુંદ પડતાં તે જોયાં છે. મારી બળતી આહ અને રડતી આરજૂ તે સાંભળી છે. કહે, શું તું અત્યાર સુધી પથ્થર બનીને નથી રહી ? આયેશા ! મેં કૈંક વખત દામન પાથર્યા ! શું તું એ દામનને લાત મારી ચાલી નથી ગઈ ?

આયેશા ખડખડાટ હસી પડી. મને તેનું મુખ જોવાની ઇચ્છા થઈ આવી. ગંભીર અને ગમગીન ચહેરાવાળી સ્ત્રી આટલું બધું હસી શકતી હશે એ જાણીને મને નવાઈ લાગી. હું મનમાં જ બોલ્યો :