પૃષ્ઠ:Thag.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬ : ઠગ
 


પેલો માણસ પાછો આવેશમાં આવી બોલતો હોય એમ મને લાગ્યું. ‘એક કાફર તને મારા કરતાં વધારે લાયક જણાય છે, નહિ ?'

આયેશાએ જવાબ આપ્યો : ‘મને કોણ વધારે લાયક લાગે છે એ મને જ નક્કી કરવા દો; અને ઠગના ધર્મમાં - મહાકાળીના પંથમાં આપણે બધાંય એક છીએ એ ભૂલવાનું નથી. ધર્મને ખોટી રીતે આગળ કરવાનું પરિણામ બૂરું આવે છે એ આપની જાણ બહાર તો નથી જ.’

થોડી વાર સુધી ઓરડામાં શાંતિ પથરાઈ, અંતે મારે કાને કઠોર શબ્દ પડ્યા :

‘ઠીક ત્યારે હવે જોયા કર ! તને, પેલાને અને આ ઓરડીમાં સંતાડેલા પેલા ફિરંગીને શું થાય છે તે !’

તે આમ બોલી રહ્યો અને તેનાં પગલાં ઓરડામાંથી જતાં મારા સાંભળવામાં આવ્યાં. હું ઊભો જ રહ્યો. ઠગ લોકોની વિરુદ્ધ થઈને આ મુજબ મને બચાવવાનું કાવતરું પેલા યુવકે કર્યું હતું અને મને સાધુ સાથે પોતાની પ્રિયતમા તરફ સંતાડવા મોકલી દીધો હતો. એમ મને સહજ લાગ્યું.

થોડી વારે એક ઊંડો નિઃશ્વાસ સંભળાયો અને ધીમે પગલે કોઈ બહાર જતું જણાયું. આયેશાએ મારી પાસેનો ઓરડો છોડ્યો.