પૃષ્ઠ:Thag.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮ : ઠગ
 

ઓરડામાં કોણ સંતાયું છે તે જોવા દે.’

‘મારો ઓરડો હું ખોલવા દેનાર નથી.’

‘અમે જોર કરી ખોલશૃં.’

‘હા, ભાઈ વગર આવી બેઇજજતી કોણ કરે છે ?'

‘તું ગમે તે કહે. જ્યાં તારા ઉપર આરોપ આવ્યો, ત્યાં મારે ખાતરી કરી આપવી જ જોઈએ. આઝાદે મારી આગળ ફરિયાદ કરી અને તારા ઉપર આરોપ મૂક્યો. મારે આવવું પડ્યું એટલા જ માટે. વળી હમણાં જ થોડી વાર પર આપણા કેટલાક લશ્કરીઓ આવ્યા અને તેમણે સંતાયેલા ગોરાને નજરે જોયો. ભાઈબહેનનાં સંબંધ બિરાદરીને અંગે બાજુએ મૂકવા પડે છે તે તું જાણે છે ?’ બહુ જ કોમળતાભર્યા અવાજથી આયેશાને મનાવવા મથતો પુરુષ તેનો ભાઈ હતો એમ વાતચીત ઉપરથી મને સમજાયું.

હવે છૂટવું અશક્ય હતું. મરણની ઘડી નજીક દેખી મારામાં સંપૂર્ણ હિંમત આવી. મારી જાતનું મને ભાન થયું અને આ ઓરડીમાં આવતા લોકોને અટકાવવા, અને ન ચાલે તો છેવટે બને એટલાને મારીને મરવાનો મેં દૃઢ નિશ્ચય કર્યો.

મારી કટાર કાઢી હું બારણાને અઢેલી ઊભો.

બારણાને વાગેલા તાળાની કૂંચી આયેશાએ કદાચ ન આપવાથી તાળું તોડવાના પ્રયત્નો થવા લાગ્યા એમ મને સમજાયું. મારી કટાર ચમકવા લાગી. પહેલો ભોગ એનો કોણ થશે ?

અચાનક ઓરડાના મધ્ય ભાગની જમીન મને ઊપડતી લાગી. મારી આંખને ઝાંઝવાં તો નહોતાં વળતાં ? મેં આંખ ઉપર હાથ ઠેરવ્યો. જમીન વધારે ઊંચકાઈ. જોતજોતામાં તો ત્યાં આગળની જમીનનો ભાગ અદૃશ્ય થયો અને એક મોટું ભોંયરું ખૂલતું દેખાયું.

શું અહીંથી મારા ઉપર ધસારો થવાનો હતો ? હું ઝડપથી ત્યાં ગયો અને જોઉ છું તો નીચે અંધકાર જણાયો.

અંધકારમાં દૃષ્ટિ સ્થિર કરી જોઉ છું તો એક માણસ લટકતું દોરડું ઝાલી અંધકારમાંથી ઉપર ચઢી આવતો હતો. ભોંયરાને માથે હું કટાર ઝાલી ઊભો રહ્યો. મારો હાથ પહોંચે એટલે તેની ખોપરીમાં કટાર ભોંકી દેવા તૈયારી કરી.

‘સાહેબ ! જલદી નીચે ચાલ્યા. આવો.' દોરડા ઉપર ચડતા માણસે પૂરેપૂરું ઉપર ચડતાં ધીમેથી કહ્યું. મેં અવાજ ઓળખ્યો. પેલા યુવકનો પરિચિત આકાર હું પારખી