પૃષ્ઠ:Thag.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભોંયરામાં:૪૧
 

નીચે જોયું, પરંતુ યુવકને મેં મારી પાછળ આવતો જોયો નહિ. મને ભય લાગવા માંડ્યો. પરંતુ હવે ચડી ગયા સિવાય છૂટકો જ ન હતો. ઉપર ચડતાં પ્રથમના મકાન જેવું જ બાકું જણાયું. ‘હું પાછો ત્યાં જ આવ્યો હતો કે શું ?' મારા મનમાં થયું.

ઉપરથી એકાએક પેલા વૃદ્ધ સાધુની મૂર્તિ મારી સામે આવી. થોડી ક્ષણો પૂર્વે મેં તેના જ પ્રેમસંબંધમાં આછી ટીકા કરી હતી. તેના મુખ ઉપર અત્યંત શાંતિ પ્રસરેલી હતી. મને તેની ટીકા કરવા માટે જરા ગ્લાનિ ઊપજી. મધુર વાત્સલ્યભર્યા અવાજે તેણે બૂમ પાડી કહ્યું :

‘સાહેબ ! પધારો. ચિંતા નથી. આ તો આપણું જ ઘર છે.'

આશ્ચર્યથી ચકિત થતો હું ઉપર ચડી ગયો.