પૃષ્ઠ:Thag.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪: ઠગ
 


આવો તોછડાઈભર્યો જવાબ સાંભળી મારું મુખ જરા બદલાયું. મને લાગણી થઈ હોય એવા અવાજે મેં પૂછ્યું :

‘શું તમે બ્રિટિશરોને ઠગ માનો છો ?’

‘એકલા બ્રિટિશરોને નહિ, પણ બધા જ ટોપીવાળાઓને.' હસતે હસતે તેણે ઉમેર્યું.

‘તમારી ભૂલ થાય છે, યુરોપવાસીઓ એટલા ખુલ્લા દિલના છે, સત્યને એટલા ચાહનારા છે કે તમે જૂઠાણમાં ઊછરેલા હિંદીઓ તેમની લાયકાત સમજી શકતા જ નથી.' મેં કહ્યું.

“ખુલ્લું દિલ ? સત્યનો પ્રેમ ? સાહેબ ! મેં આ સિત્તેર વર્ષ નકામાં ગાળ્યાં નથી. અંગ્રેજોએ હિન્દુસ્તાનમાં પગ મૂક્યો ત્યારથી આજ સુધી તેમણે કેવું ખુલ્લું દિલ રાખ્યું છે, સત્ય માટે કેવો પ્રેમ બતાવ્યો છે, તેનાં દૃષ્ટાંતો આપ કહો તે હું ગણાવી જાઉં.’

‘કહો, કહો. અમારા ઇતિહાસથી અમારે શરમાવું પડે એમ નથી.’ મેં જરા ગર્વથી કહ્યું.

‘એમ ? આપ સાંભળી શકશો ? થોડાં દૃષ્ટાંતો ગણાવી જાઉ ત્યારે. બંગાળના પેલા બિચારા સિરાજને માથે કાળી કોટડી (Black Hall of Culcutta)નું તહોમત મૂક્યું હતું. એમાં સત્ય કેટલું છે એ આપ જાણો છો ? મીર કાસમને ભોળવી બંગાળની નવાબી કબજે કરાવીને તેને પછી વહેતો મૂક્યો એમાં ખુલ્લું દિલ આપને જણાતું હોય તો કોણ જાણે ! અમીચંદને ગાંડો બનાવ્યો એમાં કયું સત્ય હતું ? ચૈત્રસિંગને કાશીમાંથી નાસવું પડ્યું; અયોધ્યાની બેગમોને બેહાલ થવું પડ્યું, હૈદર-ટીપુનાં રાજય અને પેશ્વાઈને ભસ્મ કરી નાખ્યાં ! આપને આ બધા પ્રસંગોનો સત્ય ઇતિહાસ સાંભળવો છે ? હું બતાવું એમાં સત્ય કેટલું હતું અને ખુલ્લું દિલ કેટલું હતું તે ? જે ઠગ લોકોને આપ પકડવા તૈયાર થયા છો તે લોકોની ઠગાઈ ટોપીવાળાની ઠગાઈ જેટલી કદાચ ભયંકર નહિ હોય, સાહેબ ! ઠગ લોકોની ઠગાઈ થોડા રૂપિયામાં અને બહુ જ જૂજજાજ માણસોના પ્રાણ લેવામાં જ સમાય છે, જ્યારે ગોરાઓની ઠગાઈ રાજ્યોનાં રાજ્યો દબાવી પાડવાથી પણ ધરાતી નથી ! ઠગ લોકો પ્રાણ હરી લઈ પોતાના ભોગને દુ:ખનું ભાન કરવા દુનિયામાં રહેવા જ દેતા નથી. જ્યારે ટોપીવાળાઓ તો પ્રાણ હરી પોતાના ભોગને જીવતા રાખે છે, અને તેમને ભાન થવા દે છે કે જેથી તેઓ પ્રાણહીન, નિઃસત્ત્વ, પવનને જોરે આમતેમ આથડતાં સૂકાં પાંદડાં જેવું નિરર્થક અને નિરાધાર જીવન ગાળે !’

સાધુના બોલવામાં અસહ્ય જુસ્સો હતો. તેની આંખમાંથી તેજ