પૃષ્ઠ:Thag.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગોરી કાળી ઠગાઈ :૪૫
 

ચમક્યા કરતું હતું, છતાં મુખ ઉપરથી તેનું સ્મિત ખસ્યું ન હતું. પેલા યુવક અને સાધુને કાંઈક સગપણ હશે એમ મને લાગ્યું. ઘણી વખત મુખરેખાઓ કોઈ સંબંધ સૂચવતી લાગે છે. તેના બોલવામાં જુસ્સો હતો, પરંતુ ક્રોધ ન હતો.

અંગ્રેજોનાં પરાક્રમોને ઠગાઈનું સ્વરૂપ આપનાર આ વિચિત્ર સાધુ ઉપર મને ખોટું ન લાગ્યું. પેશ્વાઈ પડ્યા પછી હવે હિંદુસ્તાનમાં અંગ્રેજો જ સર્વભૌમ સત્તા ધરાવતા હતા; તેમના એક પ્રતિનિધિ સામે તેમનું ભૂંડું બોલવું એ તે જમાનામાં સહજ વાત ન હતી. અંગ્રેજોએ જોતજોતામાં એટલી પ્રતિષ્ઠા મેળવી હતી કે સર્વ હિંદીઓની સલામ ઝીલવાનો ગોરાઓને જન્મસિદ્ધ હક છે એવી લાગણી સર્વ ગોરાઓમાં દૃઢ થઈ ગઈ હતી.

છતાં મને તેના બોલ સાંભળવામાં મજા આવી. કદાચ આ સાધુના વિચિત્ર આરોપોમાં અમારી શ્રેષ્ઠતાનો સ્વીકાર થતો હોય એમ પણ મને લાગ્યું. મેં વાત લંબાવવા આગળ પૂછ્યું :

‘ત્યારે અમે પણ ઠગ અને તમે પણ ઠગ ! આપણે બંનેએ ભેગા થઈ જવું જોઈએ, મળીને ચાલવું જોઈએ.’

સાધુ ફરીથી હસ્યો અને બોલ્યો :

‘ઠગાઈને આપે કેવી લલિતકળા બનાવી દીધી છે ! આપ અત્યાર સુધી વિજય પામ્યા છો એમાં મને જરાયે નવાઈ લાગતી નથી.'

‘તમારાં વખાણ મારે નથી સાંભળવાં. તમે અમને મળી જાઓ. એમાં તમારું જ શ્રેય છે. મારાથી બનશે તે રીતે હું તમને બ્રિટિશ વાવટા નીચે સુખી થયેલા જોવાનો જ પ્રયત્ન કરીશ.’ મેં આગળ ચલાવ્યું. મારી યુક્તિ સફળ થાય તો વિના કારણની મારામારી ટળી જાય એમ મને લાગ્યું.

સાધુ હસતો જ રહ્યો. તેણે પૂછ્યું :

‘પરંતુ અમે ઠગ છીએ એમ આપે કેમ માની લીધું ?'

‘મારી પાસે તેનાં ઘણાં કારણો છે. મારી તો ખાતરી જ થઈ છે કે તમે લોકો ભયંકર ઠગની ટોળીના વધારે ભયંકર આગેવાન છો.'

‘તો પછી અમને પકડતા કેમ નથી !' સાધુએ જરા મર્મભર્યો પ્રશ્ન કર્યો. મને તેમાં મારી સ્થિતિ ઉપર કટાક્ષ થતો લાગ્યો. સાધુ તે પરખી ગયો. તેણે અત્યાર સુધી કદી અંગત કટાક્ષ કર્યો ન હતો. તેણે મારા વિચાર સમજી ગૃહસ્થાઈ બતાવી આગળ ઉમેર્યું :

‘હું તમને - તમારી જાતને અંગત કહું છું એમ નથી; તમારી પાછળ રહેલી સત્તાને ઉદ્દેશીને કહું છું.’