પૃષ્ઠ:Thag.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮ : ઠગ
 

કરવાની જરૂર છે. અમે દુશ્મન હોઈશું પરંતુ આપની જાતને હાનિ નથી થવાની એમ ખાતરીપૂર્વક માનજો.’ આટલું બોલી તે ઓરડામાંથી બહાર ગયો અને હું આરામ લેતો પલંગ ઉપર આડો પડ્યો. મન અને તન બંને થાકી ગયાં હતાં, પરંતુ મને ઊંધ ન આવી, છતાં મેં આંખો મીંચી દીધી. પરંતુ કાંઈ ભ્રમણા થતાં તે આંખો પાછી ખૂલી ગઈ.

આંખો ખોલીને જોઉં છું તો જે બારણું પ્રથમ ઊઘડી. બંધ થયું હતું તે ફરી ઊઘડ્યું, અને મને ફરીથી દિલાવર જેવી આકૃતિ જણાઈ. ઓરડામાં મારા સિવાય બીજું કોઈ નથી એમ ખાતરી કરી તેણે બારણું પૂરેપૂરું ખોલી અંદર પ્રવેશ કર્યો અને પોતાની પાછળ દ્વાર બંધ કર્યા. હવે મારી ખાતરી થઈ કે મારો નિમકહલાલ દિલાવર જ અહીં ઊભો હતો.

હું બેઠો થયો. દિલાવરને મેં ધારીને જોયો અને પાસે બોલાવ્યો. આ કદાવર સૈનિકને જોઈ મને પાછી હિંમત. આવી. મારી ટુકડીમાં સૌથી વધારે શક્તિમાન સૈનિક તરીકે દિલાવર ગણાતો. તેની બહાદુરીના અનેક પ્રસંગોને નીરખી મેં એને અંગરક્ષક બનાવ્યો હતો. બહુ જ થોડું બોલતો. છતાં તેની વફાદારી ઉપર મને પૂર્ણ ભરોસો હતો. એ બાતમી જરૂર લાવશે એમ માનીને જ મેં એને તે દિવસે યુવકની પાછળ મોકલ્યો હતો.

‘દિલાવર ! તું ક્યાંથી ?' મેં પૂછ્યું.

‘અરે સાહેબ ! પણ આપ આ ભયંકર જગાએ ક્યાંથી સપડાઈ ગયા? આ તો સુમરા ઠગનું મકાન છે.' તેણે આશ્ચર્યથી પૂછ્યું.

‘સુમરો ઠગ ! અહીં રહે છે ?’ મારાથી પુછાઈ ગયું. સુમરા ઠગનું નામ આખા હિંદુસ્તાનમાં જાણીતું હતું. તેની ક્રૂરતા ભલભલાને કંપાવતી, છતાં તેની બહાદુરીનાં વર્ણનો ઘેર ઘેર થતાં. તેની બુદ્ધિ આગળ હિંદના મોટા મોટા મુત્સદીઓ હારી બેસતાં, મોટા મોટા રાજ્યકર્તાઓ છૂપી રીતે તેની સલાહ લેતા. તેનામાં કોઈ ગૂઢ દૈવી શક્તિનો આરોપ થયો હતો, અને તેને માટે એની એવી અદ્ભુત વાતો ચાલતી હતી કે જે કલ્પનામાં જ બની શકે. એકેએક નવાઈનો પ્રસંગ બને તેમાં સુમરા ઠગનો હાથ માનવામાં આવતો. તેને જ પકડવાથી સમગ્ર ઠગ લોકોનું બંધારણ તૂટી પડશે એમ માનવામાં આવતું. પણ સુમરો ક્યાં ?

સુમરા ઠગને નામે ઓળખાતો સમરસિંહ કોણ હતો. તે ભાગ્યે જ કોઈ જાણતું. કોઈ કહેતું કે તે વૃદ્ધ હતો, કોઈ કહેતું કે તે યુવક હતો; કોઈ એમ માનતું કે એક બુદ્ધિશાળી સ્ત્રી સુમરાનો વેશ લઈ ઠગ લોકોનું નિયંત્રણ કરતી હતી. કોઈ માનતું કે તે સાધુ છે; કોઈ કહેતું કે તે ગૃહસ્થ છે અને રજવાડી ઠાઠમાં રહે છે. પરંતુ અમારી બાતમી સુમરા વિષે ચોક્કસ