પૃષ્ઠ:Thag.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કોતરમાં રાત્રિ : ૪૯
 

થઈ શકી જ નહિ. બધી તપાસને અંતે એક જ વાત આગળ આવતી : સુમરાને પકડો, ઠગ લોકો વેરાઈ જશે. પરંતુ સુમરો કોણ છે ? ક્યાં રહે છે? એને કેમ પકડાય ? એ પ્રશ્નો સદાય અસ્પષ્ટ રહેતા.

એ સુમરાના મકાનમાં હું આજ પુરાયો હતો ! ભયનો એક ઝાટકો મારા દેહને લાગ્યો. ત્રણચાર દિવસના મારા અજબ અનુભવોથી મને ખાતરી થઈ કે હું સુમરા ઠગના સકંજામાં સપડાયો છું. વળી સુમરાને માટે આવી વાતો કેમ થતી હશે તે પણ હું અનુભવોથી સમજી શક્યો. પરંતુ સુમરો કોણ ? પેલો વૃદ્ધ સાધુ કે રમતિયાળ યુવક ?

દિલાવરે સુમરાનું નામ લીધું તેની સાથે મને આ બધા વિચારો આવી ગયા. તેણે તો મને જણાવ્યું જ હતું કે આ જ સ્થાન સુમરાનું છે. દિલાવરને પાસે જોઈ મને પાછી હિંમત આવી.

‘દિલાવર ! હવે શો રસ્તો લેવો ?' મેં પૂછયું. 'તું અને હું બંને સપડાયા છીએ.'

‘નહિ જી, હું સપડાયો નથી.' દિલાવરે ધીમેથી કહ્યું. ‘આપ એકદમ ચાલો. આ મકાનમાંથી ગમે તે રસ્તે આપણે નીકળી જવું જોઈએ.’

'તેં રસ્તો જોયો છે ?'

'હા જી. ચાલો જલદીથી.'

હું તત્કાળ ઊભો થયો. જે દ્વારમાંથી દિલાવર આવ્યો હતો. તે દ્વારમાં થઈ અમે બહાર નીકળ્યા. મને લાગ્યું કે આ મકાનમાં હું પ્રથમ આવ્યો હોઈશ. પેલા યુવકે આશ્રય આપ્યો હતો તે જ સ્થાનનો આ એકાદ ભાગ હશે એમ લાગ્યું.

ઓરડાની બહાર ચૉગાન હતું. ચંદ્રની આછી ચાંદની ખીલી નીકળી હતી. મકાનના પડછાયા નીચે ચૂપકીથી અમે આગળ વધ્યા.

ચૉગાનની આસપાસ પાછો એક નાનો કોટ હતો. એ કોટની પાર શી રીતે જવાશે તેનો મને વિચાર થયો. અચાનક એક નાનો દીવો મારા જોવામાં આવ્યો. દીવાની આસપાસ એક નાની બારી પણ મારા જોવામાં આવી. દિલાવરે મને સાવધ રહેવા મારો હાથ દાબી સૂચના કરી અને સહજ પણ અવાજ ન થાય એવી રીતે અમે બંને આગળ ચાલ્યા. બારી પાસે કોઈ પહેરો ભરતો હતો. એમ મને લાગ્યું, અને હું વિચાર કરું છું એટલામાં દિલાવરે છલંગ મારી પેલા પહેરેગીરને પકડ્યો અને નીચે ગબડાવી પાડ્યો. તે બૂમ પાડે તે પહેલાં તેના મુખમાં લૂગડાનો ડૂચો દાબી દીધો, અને અમે બારીમાંથી બહાર નીકળી પડ્યા.