પૃષ્ઠ:Thag.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦ : ઠગ
 


‘સાહેબ ! આપણે ભયાનક રસ્તો લેવો પડશે. દિલાવરે કહ્યું.

'હરકત નહિ.' મેં જણાવ્યું.

થોડીવારે એક કોતર આગળ અમે આવ્યા. અંધારું તો હતું જ, છતાં ચંદ્રની ચાંદની એ પ્રદેશને વધારે ભયંકર બનાવી રહી હતી. હું જરા થોભ્યો એટલે મને દિલાવરે કહ્યું :

‘અહીં ઠગ લોકોને ચડવાઊતરવાનો છૂપો રસ્તો છે. નીચે ઊંડી ખીણ છે, અને તેમાં ઊતરવા માટે દોરડાંની નીસરણીઓ બાંધેલી છે. આપ ઊતરી શકશો ?’

વિચિત્રતા અને મુશ્કેલીઓએ મને તદ્દન ધીટ અને મરણિયો બનાવી દીધો હતો. મેં હિંમત ધરી હા પાડી. નીચે સેંકડો ફીટ ઊંડી ખીણ અને ઊતરવાના આધારમાં માત્ર દોરડાંની નીસરણી ! પગ લપસે કે દોરડું તૂટે તો ? મેં ઘણા ભયંકર પ્રસંગો જોયા હતા; મૃત્યુ શું તેની પણ ઝાંખી કરેલી હતી. પરંતુ આ અનુભવ તદ્દન નવો અને હૃદયને હલાવી નાખે એવો હતો. અંધકારને પ્રત્યક્ષ કરતું ચંદ્રનું અજવાળું ભયંકરતાને પણ ભયંકર બનાવી રહ્યું હતુ.

પ્રથમ દિલાવર ઊતર્યો, અને તેની પાછળ હું પણ ઊતરવા લાગ્યો. ઊતરતે ઊતરતે ચંદ્રની ચાંદનીમાં દીપી રહેલો આસપાસનો સુંદર અને ભવ્ય દેખાવ મને આકર્ષી રહ્યો. પરંતુ સૃષ્ટિસૌન્દય અનુભવવા હું આવ્યો નહોતો. દૃશ્યના વિચાર છોડી હું નીચે ઊતરતો ચાલ્યો, ઊતરતાં ઊતરતાં મારો જીવ તાળવે જ ચોંટેલો રહ્યો.

અડધે ઊતરી રહ્યા હોઈશું ત્યા એક ટેકરો આવ્યો, અને થાક ખાવા અમે બંને જણ ઊભા રહ્યા. કોતરની ભીંતમાં એક જાળી જેવો આકાર જણાયો. મારી ઉત્કંઠા વધી, અને જાળીમાં નજર કરું છું તો ત્યાં પણ એક સુંદર મકાનનો ભાગ જોવામાં આવ્યો. તેના ઓટલા ઉપર એક સુંદર યુરોપિયન બાળા પલંગ ઉપર બેસી આંખો ચોળતી હતી. શું આ પ્લેફૅર સાહેબની દીકરી તો નહિ હોય ? મને વિચાર આવ્યો. તે સાથે તે છોકરીની નજર પણ જાળી તરફ ગઈ. તે જ ક્ષણે દિલાવરે મને પાછો ખેંચ્યો.