પૃષ્ઠ:Thag.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨ : ઠગ
 

રોકાવું અને તેમની દૃષ્ટિએ પડવું એ સલામતીભર્યું ન હતું. સ્થળ જોયું એટલે ફરીથી વધારે સાધનો સાથે આવી કૅપ્ટનની દીકરીને છોડાવી જવામાં વધારે સલામતી છે એમ તેણે મને સૂચવ્યું.

તેની સૂચના અલબત્ત વ્યવહારુ હતી; મેં પણ તે માન્ય રાખી, જોકે મારા હૃદયને આ વ્યવહારુપણું જરા ડંખ્યું. ટેકરાની નીચે ઊતરી જવા માટે અમે તૈયારી કરવા માંડી અને ઉપરથી કોઈએ તાળી પાડી. ઉપર નજર નાખતાં મને ભાસ થયો કે જાળીમાંથી ગોરા હાથ બહાર નીકળી તાળી પાડતા હતા. પ્રભાતની રોશની શરૂ થઈ લાગી. પ્રભાતનાં આછાં અજવાળામાં પણ તે હાથ ઉપરનો ગૌર રંગ તેને ઓળખાવી આપતો હતો. દિલાવરે પોતાની નામરજી બતાવવા બની શકે એટલું કડવું મુખ કર્યું અને મને સાહસમાં ન પડવાની સલાહ આપી. પરંતુ હવે મારે તેની પાસે ગયા સિવાય છૂટકો જ ન હતો. તેણે તાળી પાડી ચોક્કસ મને ઇશારત કરી બોલાવ્યો હતો. હવે ન જવું એ ચોખ્ખી નામરદાઈ હતી.

હું ફરી પાછો સહજ ઉપર ચડી ગયો અને જાળી નજીક આવતાં જાળી પાસેની દીવાલમાં જ એક ન જણાતી ડોકાબારીમાંથી મિસ પ્લેફૅરે અમને અંદર લીધા, મને જોઈ તે બાળા અત્યંત ખુશ થઈ. અમને બંનેને તેણે ખુરશી ઉપર બેસાડ્યા, અને આવી ભયંકર જગ્યાએ અમો કેવી રીતે આવી શક્યા તે જાણવા ઇચ્છા દર્શાવી. તે મને સહજ ઓળખતી હતી. ક્વચિત્ તેના પિતાની પાસે જતો આવતો. તેણે મને જોયો હતો. જોકે મને તેનું મુખ યાદ ન હતું.

પોતાના પિતાની ખબર પૂછતાં તેની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં. મેં તેને બધી હકીકત ટૂંકમાં જણાવી અને તેને મારી સાથે ચાલી આવવા જણાવ્યું.

‘મારાથી નાસી શકાય એમ છે જ નહિ. બીજું તો કાંઈ દુઃખ મને અહીં નથી, પરંતુ પિતાને મળવાની હવે તીવ્ર ઇચ્છા થઈ છે.' મિસ પ્લેફરે જવાબ આપ્યો. તે મટીલ્ડાને નામે ઓળખાતી.

‘તો પછી મારી સાથે આવવા કેમ ના પાડો છો ? હું તમને અત્યારે લઈ જઈ શકીશ.' મેં કહ્યું.

‘આપની ભૂલ છે. બીજું કોઈ મને લઈ જઈ શકે એમ નથી.’ આમ કહેતાં સામે પડેલી બાજઠ ઉપર મૂકેલી એક છબી તરફ તેની નજર ગઈ. મારી પણ નજર ત્યાં જ ફરી, અને જોઉ છું તો પેલા યુવકની સુંદર તસ્વીર મારા જોવામાં આવી.

‘આ ભયંકર છોકરો અહીં પણ છે શું ?' હું બોલી ઊઠ્યો.