પૃષ્ઠ:Thag.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મટીલ્ડા : પ૩
 


મિસ પ્લેફૅરે જણાવ્યું :

‘એ છબી મેં હાથે ચીતરી છે.'

તેના બોલમાં અજબ માર્દવ આવ્યું. અને તેની છબી સામેની હાલત આંખમાં એવી અપૂર્વ મીઠાશ મેં જોઈ કે તેથી હું આશ્ચર્ય પામ્યો. આ છોકરી પેલા ઠગને ચાહતી તો નહિ હોય ? મારા મનને ગૂંચવતો એક પ્રશ્ન ઊભો થયો અને તત્કાળ પહેલે દિવસે જોયેલી આયેશા સાંભરી. ખરે ! સ્ત્રીઓને આકર્ષવાની પણ એ ઠગમાં આવડત હતી - જોકે તેનો દેખાવ કોઈ પણ યુવતીને ગમે તેવો હતો - છતાં ગોરી યુવતી કાળા પુરુષથી આકર્ષાઈ એ મને જરા પણ ગમ્યું નહિ, હું વિચાર કરું છું એટલામાં તેના મુખ ઉપર અચાનક ભયની છાયા ફરી વળી, અને તેણે એકદમ પોતાનું મુખ આડું ફેરવી લીધું. આ ફેરફારનું કારણ કલ્પતાં પહેલાં તો ઓરડાની સામે આવેલું બારણું ઊઘડી ગયું અને બારણા વચ્ચે એક કદાવર મનુષ્ય ઊભેલો મારા જોવામાં આવ્યો.

પાંચેક ક્ષણ એ ત્યાંનો ત્યાં જ ઊભો રહ્યો. તેના મુખ ઉપર આનંદ દેખાતો હતો. દિલાવરે મને ઇશારત કરી. ત્યાંથી એકદમ જાળી પાસે થઈ નાસી જવા સૂચવ્યું. પરંતુ સાહસનો મારો શોખ હજી ઓછો થયો ન હતો, એટલે તેની સૂચના મેં માની નહિ. અને આ નવીન પ્રસંગમાંથી શું નીકળી આવે છે એ જોવા મેં ધીરજ રાખી.

પેલો કદાવર મનુષ્ય ધીમે ધીમે આગળ વધ્યો. તેનું સ્થાન એક તેના જેવા જ કદાવર અને જબરજસ્ત માણસે લીધું. તેને પાસે આવતો જોઈ મટીલ્ડાએ આંખો ઉપર હાથ મૂકી દીધા, અને તે એક ઝીણી ચીસ પાડી ઊઠી. પેલા મનુષ્યના મુખ ઉપર સ્મિત આવતું દેખાયું. મને તત્કાળ લાગ્યું કે મટીલ્ડાને આ માણસનો કશો કડવો અનુભવ થયો હોવો જોઈએ. આ પ્રસંગમાં મારાથી બની શકે તેટલી સહાય આપવા માટે હું તત્પર થયો, અને ખુરશી ઉપરથી ઊભો થઈ હું બૂમ પાડી ઊઠ્યો :

‘ખબરદાર ! એટલે જ રહો.'

મુખ ઉપરનું સ્મિત ચાલુ રાખી તેણે પોતાનો નીચલો હોઠ સહજ દાંત નીચે દબાવ્યો.

‘કાલ બચી ગયા તેમાં જોર રાખો છો કે ? આજ બચવું મુશ્કેલ છે.’ તેણે ભાર દઈ જણાવ્યું. તેના સૂર ઉપરથી મને લાગ્યું કે આ પુરુષ આયેશાનો પ્રેમ ચાહનાર પેલો આઝાદ હોવો જોઈએ.

‘મુશ્કેલ શબ્દ નામરદો માટે રહેવા દો.’ મેં કહ્યું. ‘અહીં તો ગોરાઓ