પૃષ્ઠ:Thag.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬: ઠગ
 


આઝાદે ક્રોધાવેશમાં પોતાની કટાર નીચે ઊતરતાં દિલાવર ઉપર ફેંકી અને તે ગરજી ઊઠ્યો :

‘કમબખ્ત ! દગાખોર ! દુશ્મનોમાં ભરાયો છે !’ ઊતરતો દિલાવર સહેજ સંકોચાયો, કટાર તેની પાસે થઈ નીચે ચાલી ગઈ અને કટારની પાછળ તે પણ ઊતરી ગયો. દિલાવર નાસી છૂટ્યો અને આઝાદ અંદર આવતાં બબડી ઊઠ્યો :

‘આવા માણસોથી ખાસ ચેતવું જોઈએ. સામા પક્ષમાં ભરાઈ જનાર બેવફા આદમીઓથી જ બધી ખરાબી છે, દિલાવરનું શિર જે મારી પાસે લાવશે તેને ખુશ કરીશ.’

આ ઉપરથી એમ તો સ્પષ્ટ થયું જ કે દિલાવર પ્રથમ ઠગ લોકોના પક્ષમાં હતો. એકાએક આઝાદે નિશાની કરતાં તેના માણસોએ મટીલ્ડાને ઉપાડી, અને જે દ્વારમાંથી તેઓ અંદર ધસ્યા હતા. તે દ્વારમાં તેને લઈને ચાલતા થયા. મટીલ્ડાએ એક નિરાધારપણું દર્શાવતી ચીસ પાડી, અને તેને હું મુક્ત કરવા જાઉ તે પહેલાં તો તેઓ અદૃશ્ય થયાં.

હું અત્યંત ક્રોધાવેશમાં આઝાદ ઉપર તૂટી પડ્યો. આ વખતે એ બળવાન ઠગે મને એક જબરજસ્ત ધક્કો માર્યો અને હું જમીન ઉપર પડતો રહી ગયો. બીજી વખત ધસું છું ત્યાં તો તે પણ પેલા બારણામાં થઈને પસાર થઈ ગયો; પસાર થતે થતે તેણે બારણું પણ બંધ કર્યું. મારા ગુસ્સાનો પાર રહ્યો નહિ. બારણાને મેં જોરથી લાતો ખેંચી કાઢી, હાથથી હચમચાવ્યું; પરંતુ મારા નિષ્ફળ પ્રયત્નથી એક પણ બારણું ડગ્યું નહિ. આઝાદને મેં મોટેથી પોકાર્યો અને અંગ્રેજીમાં બની શકે તેટલી ગાળો દીધી. જોકે મારા શબ્દો સાંભળવા તે થોભ્યો નહિ જ હોય એમ હું જાણતો હતો. છતાં આવેશમાં આવી હું બૂમ પાડ્યે ગયો. બૂમનો કાંઈ અર્થ રહ્યો નહિ. ડુંગરની કરાડમાંથી કોરી કાઢેલા એક ઓરડામાં હું પાછો કેદી થઈ બેઠો.

સૂર્યનાં અજવાળાં હવે જણાતાં હતાં. મારે શું કરવું તે મને સમજાયું નહિ. ઓરડામાં આમતેમ આાંટા મારતા રાતનો ઉજાગરો અને સવારની મારામારીનો થાક મને જણાવા લાગ્યો. એક ખુરશી ઉપર હું બેસી ગયો, લાંબા પગ કર્યા અને મને લાગ્યું કે મને નિદ્રા આવવા માંડી.

કેટલીક વારે ખડખડાટ થતાં હું જાગ્યો. સહજ આંખ ઉઘાડી જોતાં એક અજાણ્યો માણસ ઓરડાના એક ગુપ્ત સંચમાંથી કાંઈ કાઢતો જણાયો. હું કાંઈ બોલ્યો નહિ, મેં સૂવાનો ડોળ ચાલુ રાખ્યો. તેણે થોડી વારમાં કેટલાક બાંધેલા કાગળો કાઢ્યા અને બહુ જ તપાસ કરી, ઘણા કાગળો જોઈ તે બાજુએ મૂક્યા, અને તેને મહત્ત્વનો લાગતો એક કાગળ કાઢી બીજા