પૃષ્ઠ:Thag.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦: ઠગ
 

આ વાંચીને તો હું ચમક્યો. આમ જ થયું હતું. આવો ભવિષ્યવેત્તા ઠગ લોકોમાં કોણ હતો ?

વળી બીજો કાગળ લીધો : ‘મેં પીંઢારાના નાયક અમીરખાનને ચોખ્ખી વાત જણાવી દીધી છે. પાપીઓને આપણી સહાય મળશે નહિ. જોધપુર અને જયપુર મેવાડની કૃષ્ણાકુમારી માટે રટે ચઢ્યાં. પીંઢારાએ જોધપુરનો પક્ષ લીધો તો ભલે, પરંતુ કૃષ્ણાકુમારીને તકરારનો અંત લાવવા માટે ઝેર આપવાનો તેણે પ્રસંગ આણ્યો એ શરમ ભરેલું છે. ઉદયપુરના કાયર રાણાનું તો પૂછવું જ શું ? અહીં હવે સંગ અને પ્રતાપ જન્મતાં અટકી ગયાં છે, દીકરીને ઝેરનો પ્યાલો આપતાં પહેલાં રાણાએ દુશ્મનની તલવાર ઉપર કપાઈ પડવું હતું !’

મારી ઉત્કંઠા અતિશય વધી ગઈ. આ સઘળો પત્રવ્યવહાર કબજે કરવાની મારી મરજી થઈ, પરંતુ હું જ બીજાને કબજે હતો. ત્યાં હું પારકો માલ કેવી રીતે કબજે રાખું ? મેં કાગળોનું વાંચન ચાલુ રાખ્યું.

‘રૂસ લોકોને સહાય કરીએ તેથી શું ? એક ટોપી મટી બીજી ટોપી આવશે. હું તો ટોપીને બિલકુલ માગતો જ નથી. ટોપીવાળા વગર જો આપણે ચલાવી શકીએ તો જ ખરું, પણ તે તો આપણે કરી શકતા નથી. કશુંક થયું કે અંગ્રેજોની પાસે દોડવું એ હમણાં આપણો ધર્મ બની ગયો છે ! પિત્રાઈને ગાદી નથી આપવી, તો ચાલો અંગ્રેજો પાસે ! ખંડણી આપવાના કરાર તોડવા છે, તો ચાલો અંગ્રેજો પાસે ! પાસેનો મુલક પચાવી પાડવો છે, મળો અંગ્રેજોને ! વિધવા રાજ્યમાતાનું સાલિયાણું બંધ કરવું છે, લ્યો અંગ્રેજોની સલાહ ! જાગીરદાર મટી રાજા થવું છે, બોલાવો અંગ્રેજોના ગોલંદાજોને ! હિંદુસ્તાનનું નસીબ વાંકું છે. સ્વાર્થત્યાગ ઉપર રાજ્યો રચાય છે, અને લોભમાંથી ગુલામી ફૂટી નીકળે છે. આપણે બધા અત્યારે શું કરીએ છીએ ? આવી સ્થિતિમાં રૂસ લોકોને હિંદ ઉપર ધસારો કરવામાં હું કદી સહાય નહિ આપું. જો અહીં ટોપી જ રહેવાની હોય તો અંગ્રેજો શા ખોટા છે ?'

શું રશિયાની સાથે પણ આ ટોળી મસલત ચલાવે છે ? મારા આશ્વર્યનો પાર રહ્યો નહિ. લોકોમાં માન્યતા છે કે ઠગ તો ગળે ફાંસો દઈ માલ લૂંટી લે છે; જ્યારે વસ્તુસ્થિતિ તો આમ હતી ! સર્વ રાજ્યો સાથે સંબંધ ધરાવતી આ અદ્દભુત ટોળીને હજી કોઈ જ જાણી કે સમજી શક્યું નથી એમ મને લાગ્યું.

મને ક્યારનો ભાસ થતો હતો કે કોઈ મને જોતું હતું. એકાંત દુશ્મનનો ભય અને છૂપી રીતે તેમની ચીજો જોવાનો આગ્રહ આવી ભ્રમણા