પૃષ્ઠ:Thag.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઠગનો કાર્યપ્રદેશ : ૬૧
 

ઉત્પન્ન કરતાં હશે એમ મને લાગ્યું. ઘણી વાર સુધી વાંચતે વાંચતે હું ચારે પાસ નજર નાખતો પણ કોઈ દેખાયું નહિ. અંતે આ ભ્રમણા એટલી પ્રબળ થઈ કે મેં પત્રો નીચે મૂક્યા, અને અચાનક પેલી જાળી તરફ જોયું. જાળીમાંથી એક મનુષ્ય મારા તરફ જોયા કરતો હતો ! તેના તરફ મારી દૃષ્ટિ પડતાં તેણે જાળી પાસેની ડોકાબારી ઉઘાડી અને તે અંદર આવ્યો. હું ખરાબ પરિણામ માટે તૈયાર જ હતો.

‘કાગળો વાંચી રહ્યા ?’ તેણે મને પૂછ્યું.

મેં જવાબ દીધો નહિ. માત્ર બેદરકારીભરી આંખે તેના તરફ જોયું.

‘આની શી સજા છે એ જાણો છો ?' મેં જવાબ ન આપ્યો એટલે તેણે ફરીથી પૂછ્યું.

'તે તમે જાણો છો એટલે બસ છે. મને કોઈની પરવા નથી.' મેં તિરસ્કારપૂર્વક જવાબ આપ્યો.

'ઠીક, પરવા નથી. એ સારું છે. પરંતુ નવેસર પરવા કરવા મથશો. નહિ.’ આમ કહેતાં બરોબર શું થયું તે હું કહી શકતો નથી, પરંતુ એકદમ અંધકારમાં હું નીચે ઊતરવા માંડ્યો. મારા પગ નીચેની જમીન મને લઈને ઊંડે ઊતરતી જતી હતી. હું ભય પામ્યો. શું આ માણસ જાદુગર તો ન હતો? હું ભૂતપ્રેતને માનતો નહિ, પરંતુ મને લાગવા માંડ્યું કે હિંદુસ્તાનમાં તો તેમની વસતી જરૂર હોવી જોઈએ. ભૂતનો વિચાર અહીં આવતા ફરી મારું હૃદય ધડકી ઊઠ્યું. અચાનક મારા પગ અટક્યા અને અંધકારનું ભાન સહજ આછું થતાં મને જણાયું કે હું એક દેવમંદિરમાં દાખલ થયો હતો.