પૃષ્ઠ:Thag.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.૧૪
 
ભગ્ન હ્રદયના ભણકાર
 


દેવ મદિરમાં હું એક ભયંકર મૂર્તિ સામે ઊતર્યો. આ કદાવર મૂર્તિ છ-સાત માણસ જેવડી ઊંચી અને તેટલી જ પહોળી હતી. મૂર્તિની જીભ બહાર હતી. તેના એક હાથમાં પ્રમાણસર મોટી તલવાર હતી. બીજા હાથમાં પ્રચંડ ગદા હતી. બીજા બે હાથ બંને જાંઘ ઉપર મૂકેલા હતા. નીચેની એક બેઠક ઉપર પગ લંબાયા હતા. મૂર્તિ બેઠેલી હોય એવો ભાસ થતો હતો, છતાં બંને પાનીઓ થોડી થોડી વારે વારાફરતી ઊપડતી અને તેમાંથી ક્વચિત્ ધૂમ્ર તો ક્વચિત્ જવાળા બહાર આવતાં હતાં અને મૂર્તિની ભયંકરતામાં વધારો કરતાં હતાં.

મને વિચાર આવ્યો કે જવાળામુખી પર્વતના કોઈ ભાગને આ પ્રમાણે મૂર્તિના સ્વરૂપમાં બાંધી લીધો તો નહિ હોય ?

મંદિર વિશાળ હતું, પરંતુ તેની વિશાળતા ઈશ્વરનો આભાસ આપવા કરતાં મનુષ્યની નિરાધાર સ્થિતિ અને ક્રૂર ભવિષ્યનો ખ્યાલ ઉપસ્થિત કરતી હતી. એક મોટો ઘંટ લટકતો હતો, અને બાજુ ઉપર ભારે કદનો એક ડંકો પડેલો હતો. હથોડી, ફરસી, તલવાર, ભાલા, ધનુષ્યબાણ, બખ્તર, ઢોલ વગેરે મોટી સંખ્યામાં દેવળની ભીંતો ઉપર લટકતાં દેખાયાં. નવીન યુગની બંદૂકોનો પણ સારો જથો ભેગો કરેલો લાગતો હતો. એકાદ સાધારણ લશ્કરને પૂરાં પાડી શકાય એટલાં આયુધોનો અહીં સંગ્રહ થયેલો મને દેખાયો.

‘આ તે મંદિર કે શસ્ત્રભંડાર !’ મારા મનમાં પ્રશ્ન ઊઠ્યો.

મંદિરમાં હું એકલો જ હતો. પર્વતની કોઈ વિશાળ ટેકરી ઉપર આ મંદિર કોરી કાઢ્યું હશે, અને તે ઠગ લોકોનાં જુદાં જુદાં રહેઠાણો સાથે ગુપ્ત માર્ગથી જોડી દીધું હશે એમ મને લાગ્યું. કારણ તે સિવાય હું અહીં કેવી રીતે ઊતરી શકત !

કદાચ આ સઘળો ભાગ ઠગ આગેવાનોના રહેઠાણનો પણ હોય. અતિશય ગુપ્ત ભાગ ઉપર મહત્ત્વના કાગળો, દાખલા વગેરે હતાં. અહીં મંદિર અને શસ્ત્રભંડાર હતો. આટલામાં જ ખજાનો અને કોઠાર પણ હશે