પૃષ્ઠ:Thag.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભગ્ન હ્રદયના ભણકાર : ૬૩
 

એમ મને શક ગયો. વળી કલ્પના પણ ન પહોંચે એવાં આ સ્થાનોનું રક્ષણ કરવાની પણ જરૂર દેખાતી ન હતી. દુશ્મનોનાં અસંખ્ય લશ્કર આવે છતાં આ લોકોનો તલભાર સ્પર્શ પણ કરી શકાય એમ ન હતું, ભયાનક કરાડો અને પાતાળસ્પર્શી ખીણો, અભેદ ઝાડીઓ અને ગગનચુંબી શિખરોથી રક્ષણ પામતો આ પ્રદેશ અત્યંત સુરક્ષિત હતો. ઠગ લોકો સિવાય - અને તેમાં પણ તેમના આગેવાન સિવાય ભાગ્યે જ કોઈ સમજી શકતું હશે કે કયું સ્થળ ક્યાં આવેલું છે. આ મંદિરની બાજુએથી કોઈ સૈન્ય કદાચ જતું હોય તોપણ તેમાંથી કોઈને સંશય સુધ્ધાં ન પડે કે અનેક શસ્ત્રોથી સજાયેલું સ્થાન અહીં હશે.

આથી જ આ લોકોને વશ રાખવાનું કામ મુશ્કેલ બનતું હતું. અને આ સઘળું મારા જોવામાં આવ્યા પછી તો મારી ખાતરી થઈ કે લશ્કરો લઈ તેમની સામે થવામાં કાંઈ જ અર્થ નથી. આવા વિચારો વચ્ચે ગૂંચવાયલા મારા જેવા અજાણ્યા માણસને બહાર જલદી નીકળવાની સ્વાભાવિક ઇચ્છા થાય જ. છતાં બહાર નીકળવાનો માગ મને જડ્યો નહિ. એક બાજુ ઉપર થોડાંક નાળિયેર પડ્યા હતાં તેમાંથી મેં બેત્રણ ફોડયા અને લીલું કોપરું ચાખ્યું. કોઈ હતું જ નહિ એટલે હું સ્વતંત્રતાથી મંદિરમાં ફર્યો.

પેલી મૂર્તિને પણ તપાસી જોઈ. અલબત્ત, મેં હાથ તો અડાડ્યો જ નહિ. મને ડર લાગ્યો કે કદાચ કોઈ ખોટું યંત્ર દબાય તો મને તેની યાતનામાંથી છોડાવનાર કોઈ મળે જ નહિ. દૂરથી જોતાં પણ મને એટલું તો સમજાયું કે કોઈક યાંત્રિક કરામતનું આ પૂતળું છે.

હું મૂર્તિને જોતો હતો. એટલામાં પાછળથી કોઈ આવતું હોય એવો મને ભાસ થયો; પડછાયો પણ દેખાયો. પાછા ફરી જોતાં આયેશા મારી નજરે પડી.

ભીંત જેમની તેમ હતી; એક પણ બારણું કે જવા આવવાનો રસ્તો મને જણાયો નહિ. પછી આયેશા ક્યાંથી આવી હશે ? કદાચ હું આવ્યો તેમ ઉપરથી તો નહિ ઊતરી હોય ?

મેં તેને માનપૂર્વક ઓળખાણભરેલી સલામ કરી.

‘તમે છેવટે છૂટી તો ન જ શક્યા !’ આયેશાએ પૂછ્યું.

આજુબાજુની ભયંકર પરિસ્થિતિમાં આયેશાનું સૌન્દર્ય વધારે ખીલી નીકળતું લાગ્યું.

‘ના, હજી પ્રયત્ન ચાલુ છે.’

'હવે પ્રયત્નો મિથ્યા છે. આ મંદિરમાં પ્રવેશ કરનાર તેની બહાર જઈ