પૃષ્ઠ:Thag.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪ : ઠગ
 

જ શકતું નથી.' આયેશાએ જણાવ્યું.

‘આપ સાથે જ છો એટલે મને તે વાત મુશ્કેલ નહિ લાગે. આપના સરખાં ઉદારચિત્તનાં બાનુની હાજરીમાં મારો અંત આવશે તોપણ કશી હરકત નથી.' મેં તેને સંભળાવ્યું. મંદિરમાં પહેલો પ્રવેશ તો આયેશાએ જ મને કરાવ્યો. એટલે તેના કહેવા પ્રમાણે અમારે બંનેએ એક જ ભવિષ્ય ભોગવવું પડે.

આયેશાએ થોડી વાર સુધી જવાબ ન આપ્યો. તે વિચારમાં પડી ગઈ. કેટલીક વારે તેણે મને પૂછ્યું :

‘તમે મટીલ્ડાને તો ઓળખો જ છો !’

'હા, જી.'

‘કોઈ યુરોપિયન સ્ત્રી હિંદીની સાથે લગ્ન કરે તો તે તમે પસંદ કરશો ?' તેણે પૂછ્યું.

ઉત્તર માટે વિચાર કરવાની જરૂર નહોતી. મેં કહ્યું :

‘કદી નહિ.’

‘તમે ત્યારે મટીલ્ડાને સમજાવી શકો એમ છો ? તે કોઈ હિંદીના પ્રેમમાં પડી છે !’ તેણે કહ્યું.

મને સમજ ન પડી. આ બધું તે શા માટે મને કહે છે ? મટીલ્ડ કોની સાથે પ્રેમમાં પડી છે ? અને તેમ હોય છતાં આયેશાને તેમાં શું લાગેવળગે?

'પણ તમે કહો છો ને કે અહીંથી જવાનો માર્ગ જ નથી ! પછી એ બધું કેવી રીતે બની શકે ?’ મેં જણાવ્યું.

આયેશા હસી. તેના હાસ્યમાં પૂર્વની અભેદ ગહનતા સમાયલી હતી. પૂર્વદેશોની રમણીઓનાં હાસ્ય છીછરાં હોતાં નથી, તેમાં ઊંડા અર્થ સમાયલા હોય છે. મને તે હાસ્યનો અર્થ ન સમજાયો.

‘મારી એક શરત કબૂલ રાખો તો અહીંથી છૂટવાનો એક જ માર્ગ છે તે હું બતાવું...' આયેશાએ પોતાના ગહન સ્મિતને શમાવી ગંભીર બની થોડી વારે મને કહ્યું.

‘આપનો મારા ઉપર ઉપકાર થયો છે, એટલે હું છૂટું અગર ન છૂટું તોપણ મારાથી બને તે કરવા માટે હું બંધાયેલો જ છું. માત્ર શરત જાણ્યા સિવાય તે પાળવાનું વચન ન આપી શકું.' મેં જવાબ આપ્યો.

પ્રવાલ સરખા હોઠ ઉપર ગોરી અંગુલી અરાડી આયેશા સહજ વિચારમાં પડી. પડદા પાછળ જ રહેનારી આ અદ્ભુત સૌન્દર્ય ભરેલી સ્ત્રીને આ એકાંત સ્થળમાં મારા જેવા પરકોમના પરાયા પુરુષ સાથે ઊભા