પૃષ્ઠ:Thag.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભગ્ન હ્રદયના ભણકાર : ૬૫
 

રહેતાં સંકોચ અગર ડર ન હતો. એ જોઈ મને આશ્ચર્ય લાગ્યું.

‘સમરસિંહ ક્યાં છે ?’ મેં શાંતિનો ભંગ કરી પૂછ્યું. આટલા બનાવો બની ગયા હતા. છતાં પેલા યુવકને મેં હજી સુધી જોયો નહિ તેથી મને નવાઈ લાગ્યા કરતી હતી.

એ નામ સાંભળતાં જ આયેશાના મુખ ઉપર ફેરફાર થયો. એ ફેરફાર એટલો સૂક્ષ્મ હતો કે જો એવો ફેરફાર જોવાની ધારણા સહ તેના મુખ તરફ મેં જોયું ન હોત તો મને પણ તે સમજાત નહિ. પરંતુ આયેશાના મકાનમાં મને થયેલો અનુભવ તાજો જ હતો. એટલે સમરસિંહના નામ સાથે તેના સુંદર મુખ ઉપર વધારે સૌંદર્ય ઊભરાયું. તેની લાંબી કાળી આંખો સહજ વધારે ચમકી અને કોઈ આાછું અગમ્ય સ્મિત ફેલાયું.

‘એ તો ભરતપુર ગયા છે.' તેણે જવાબ આપ્યો.

'કેમ ?'

‘રાજ્ય માટે લડાઈ ચાલી છે; તમારું લશકર પણ ત્યાં ગયું છે. એમને બોલાવ્યા હતા.' આયેશાએ કહ્યું.

'ત્યાં સમરસિંહનું શું લાગે ?’ મેં વધારે માહિતી મેળવવા પ્રશ્ન પૂછયો.

‘એમને સચ્ચાઈની બિરાદરી છે. જ્યાં જ્યાં સાચને માથે આફત હોય ત્યાં સમરસિંહ ખરા જ.’ આયેશાએ તારીફ કરી.

‘તો પછી આ બધા પ્રપંચમાં તે કેમ ઊભા રહે છે ? સાધુ થઈ ગંગાતટ કેમ વસતા નથી ?’

આયેશાએ એક નિઃશ્વાસ નાખ્યો. તેના મુખ ઉપર ગ્લાનિની છાયા ફરી વળી.

‘એ તો સાધુ જ. સદાય ગંગાતટ ઉપર જ તેમનો નિવાસ છે.' તેણે કહ્યું.

‘તેમાં તમે દિલગીર કેમ થાઓ છો ?' મેં પૂછ્યું.

‘કેટલીક સ્ત્રીઓ એ વાત જાણતી નથી, જાણે છે તો માનતી નથી, અને માને છે તોપણ તેનો મોહ મૂકતી નથી. એની જ દિલગીરી !' આયેશાએ દિલગીરીનું કારણ દર્શાવ્યું.

સમરસિંહ એ જ પેલા યુવકનું નામ હોય તો તેનું સૌન્દર્ય અતિશય મોહક હતું. પાતળો ઊંચો દેહ, સુપ્રમાણ મુખરચના, આંજી નાખતી તેજસ્વી આંખો, અને સર્વદા સ્મિતભર્યું - બાલક સરખું કુમળું મુખ : સ્ત્રીઓના આકર્ષણ માટે આટલું બસ હતું. પરંતુ તેની અપૂર્વ બુદ્ધિ અને તેનું શારીરિક બળ. તેને પુરુષવર્ગમાં પણ સન્માન અપાવતાં હતાં. મને