પૃષ્ઠ:Thag.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬: ઠગ
 

પ્રથમથી જ તેને માટે પક્ષપાત થયો હતો. તેની લાવણ્યભરી છટા, મધુર કંઠ અને વિવેકભરી સ્થિર રીતભાત કોઈ પણ કુલીન ઘરને શોભા આપે એવાં હતાં. યુરોપીય વિવેક તેના આગળ તોછડો અને દંભભર્યો લાગતો હતો. અને જ્યારે તે સાધુ છે એ વાત મને આયેશાએ કહી, ત્યારે મારા આશ્ચર્યનો પાર રહ્યો નહિ. સાધુત્વભર્યું ગૂઢ અગમ્ય જીવન સર્વની કલ્પનાને ઉત્તેજિત કરવા માટે પૂરતું હતું. મને પણ દિલગીરી થઈ કે આ યુવક પોતાના જીવનપ્રવાહને સાધુતાની શુષ્ક રેતીમાં કેમ ઠાલવતો હશે ? આયેશાને દિલગીરી થાય એમાં નવાઈ ન હતી. તેના કથનમાં મને ભજ્ઞ હૃદયના. ભણકારા લાગ્યા.

‘કેમ હવે શો વિચાર કરો છો ?' મને વિચારમાં પડેલો જોઈ તે સહજ હસી અને મને કહેવા લાગી : ‘મેં તમને પહેલાં કહ્યું હતું તે યાદ છે ને ? મટીલ્ડાને સમજાવવાનું ?’

‘હું ચમક્યો. શું મટીલ્ડા સમરસિંહને ચાહે છે ! યુરોપી બાળા એક હિંદવાસી કાળા ઠગને ચાહે ? અને અત્યંત પ્રેમથી તેણે મને બતાવેલી સમરસિંહની છબી મને યાદ આવી. એ છબી મટીલ્ડાએ જ પોતાના હાથે ચીતરી હતી. તેનું કારણ મારા ધ્યાનમાં આવ્યું. મારા જાતીય અભિમાનને એક ઘા લાગ્યો.

પરંતુ સ્ત્રીના હૃદયને કોણ કળી શકે એમ છે ? આકાશની ગહનતાને ભેદી શકાય, સમુદ્રના ઊંડાણને માપી શકાય, કુદરતના ચમત્કારો ઉકેલી શકાય, પરંતુ સ્ત્રીના અગમ્ય હૃદયનો પાર કોણ પામી શકે ? મને મટીલ્ડાની પસંદગી માટે એક પ્રકારનો સદ્ભાવ પણ ઊપજ્યો. યુરોપમાં સમરસિંહ મળી શકે ? મેં મનને પૂછ્યું.

‘એ જ આપની શરત છે ને ? અહીંથી છૂટવાનો માર્ગ બતાવવા માટે એટલી જ શરત પાળવાની હોય તો હું કબૂલ છું.' મેં કહ્યું.

આયેશા ખુશ થઈ.

‘હા, શરત તો એટલી જ છે, પરંતુ તેને પાળવી મુશ્કેલ છે, હો !’ તેણે કહ્યું.

'હરકત નહિ, હું મારું બનતું કરીશ.' મેં કહ્યું.

‘અને તેમાં જીવનસાટાનું જોખમ પણ છે. અત્યારે મટીલ્ડા આઝાદના કબજામાં છે.’ આયેશાએ કહ્યું.

આઝાદ તેને મારી સમક્ષ કેવી રીતે ઉપાડી ગયો હતો તે મને યાદ આવ્યું.