પૃષ્ઠ:Thag.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮ : ઠગ
 

એ કામ કરવાને મેં મારી જિંદગી સમર્પી છે એમ જાણ઼જો.'

‘તમે ધારતા હશો એટલું એ કામ સહેલું નથી. આઝાદને તમે હજી ઓળખતા નથી.' તેણે કહ્યું.

'તમારા સુમરા ઠગે મને શું કર્યું કે હવે મારે આઝાદથી ડરવું પડે ?’ મેં આયેશાને સહજ ચીડવવા પ્રયત્ન કર્યો. મારી ખાતરી હતી કે સમરસિંહનું ભૂંડું બોલવું એ તેને ઉશ્કેરવા માટે બસ છે. આછા તિરસ્કારથી આયેશા હસી.

'તેને લીધે તો અત્યારે તમે જીવતા રહ્યા છો. શસ્ત્ર વગરનો સુમરો અત્યારે અનેક રાજ્યોને હલાવી રહ્યો છે. તમને ક્યાં ખબર છે ? પણ યાદ રાખજો કે એ કોઈ દિવસ શસ્ત્ર વાપરશે તો અંગ્રેજોથી હિંદુસ્તાનમાં રહેવાશે નહિ.' તેના બોલેબોલમાં અતુલ બળ હતું.

‘હરકત નહિ. એ તો મારો મિત્ર છે. અંગ્રેજો હિંદુસ્તાનમાંથી જશે. તોપણ હું સુમરાના મહેમાન તરીકે રહેવાનો છું.' મેં સહેજ જણાવ્યું. આયેશા એકાએક ચમકી અને બોલી :

‘સાહેબ ! ઉતાવળ કરો.’ આંખે પાટો બાંધી દેવો પડશે. તે સિવાય અહીંથી બહાર નહિ જવાય !' તેણે કહ્યું, અને મને કાંઈ પણ જવાબ આપવાની તક મળે તે પહેલાં તેણે એક રેશમી રૂમાલ કાઢી મારી આંખો ઉપર નાખ્યો.

રૂમાલને બાંધી તેણે મારી દૃષ્ટિ બિલકુલ બંધ કરી દીધી. પછી મને તેણે હાથ આપ્યો. એ હાથ પકડી તેની સાથે સાથે તેના કેવા પ્રમાણે હું દોરાયો. ઘણી ઊંચીનીચી જગાઓમાં થઈને મને આયેશા બહાર લાવી. હું તદ્દન કંટાળી ગયો.

‘છતી આંખોએ ક્યાં સુધી આંધળાનો વેશ ભજવાવશો ?' મેં છેવટે પૂછ્યું.

‘હવે બહુ વાર નથી. આંખ વગરના કંગાલોની શી સ્થિતિ થતી હશે. તે તમારે અનુભવમાં ઉતારવી જોઈએ, કે જેથી ભવિષ્યમાં તમે તેમને હસી ન કાઢો.' આયેશાએ શિખામણ આપી.

‘પણ હવે તો એકે ડગલું આગળ નહિ વધાય. મારી આંખોએ હું જોઈશ ત્યારે જ ચાલીશ.' મેં જીદ લીધી.

‘હવે એક જ ડગલું આગળ વધો. હું તમારો પાટો છોડી નાખીશ. ઉતાવળા થાઓ.' તેણે મને આજ્ઞા આપી.

હું એકાદ ડગલું આગળ વધ્યો અને તેણે મને બેસી જવા ઇશારત