પૃષ્ઠ:Thag.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભગ્ન હૃદયના ભણકારા : ૬૯
 

કરી મારો હાથ દબાવ્યો. હું તે સૂચનાને માન આપી બેસી ગયો અને તુરત મારી આંખો ઉપરથી બંધન ખસી ગયું. મને આંખે ઝાંઝવાં વળ્યાં. મારી આંખને કાંઈ જ ગમ પડી નહિ. હું ક્યાં હોઈશ ? આંખે ધીમે ધીમે બાહ્ય સૃષ્ટિને ઓળખવા માંડી.

ખરા મધ્યાહ્ન થઈ ગયા હોય એમ લાગતું હતું. એક ડુંગર ઉપર આવેલા ટેકરાઓને ઓથે અમે બેઠાં હતાં. એ ટેકરો લગભગ અમારી બાજુએ ફરી વળ્યો હતો. હું આયેશાને કાંઈક પૂછવા ગયો, એટલામાં તેણે મને ચૂપ રહેવાની ઇશારત કરી. તેના મુખ ઉપર ગંભીર ચિંતાની છાયા પથરાઈ ગયેલી લાગી.

એકાએક અમારા ટેકરાની બાજુમાં થઈને કેટલાંક માણસો જતાં હોય એમ મને લાગ્યું. અમે તેમને દેખી શકતાં ન હતાં અને તેઓ અમને દેખી શકે એવો સંભવ ન હતો, પરંતુ સહજ પણ અવાજ થાય તો બહારના ભાગમાં તરત ખબર પડી જાય એમ હતું. મને ચૂપ રહેવા અંગે આયેશાએ શા માટે સૂચના કરી હશે તે હવે સમજાયું. મને લાગ્યું કે કોઈ ટોળી અમારી શોધખોળમાં નીકળી છે. તેઓની અને અમારી વચ્ચે માત્ર એક નાનો ટેકરો જ હતો. ભૂલેચુકે પણ જો કોઈ આ બાજુ નજર નાખે તો પકડાવાનો પૂરો સંભવ હતો.

‘તેઓ આટલામાં જ હોવા જોઈએ.' ટોળીમાંથી એક જણાએ વાત શરૂ કરી.

મારા હોશકોશ ઊડી ગયા. આયેશાની મુખમુદ્રા અત્યંત જડ થઈ ગયેલી લાગી. તેના મનના ભાવ તેના મુખ ઉપરથી પરખી શકાતા ન હતા. તદ્દન સ્થિરતાથી હાલ્યાચાલ્યા વગર શૂન્ય દૃષ્ટિએ તે મારી પાસે લપાઈને બેઠી હતી, પરંતુ તેના મુખ ઉપર ભયનું એક પણ ચિહ્ન જણાયું નહિ.

‘અને ભાઈ ! તને શો ભ્રમ થયો છે ? એ ગોરો તે મંદિરમાં ઊતર્યો કે બીજે ક્યાંઈ, એની પણ શી ખાતરી ?' એક જણે જવાબ આપ્યો. ‘ચારે બાજુએ પહેરા હતા, અને મંદિરમાં ઊતર્યો હોય તોપણ આયેશા એને શી રીતે નસાડી શકે ? મંદિરની ચારે પાસ તો આપણે જ હતા.’

‘ત્યારે કોઈ બે જણ નાસતાં કેવી રીતે દેખાયાં ?' પહેલા માણસે પૂછ્યું.

‘માટે જ કહું છું ને કાંઈ ભ્રમ થયો હશે. જણાયા પછી તો તરત દોડતા આવ્યા છીએ. સંતાવાની જગ્યા નથી. પછી ક્યાં જાય ?’ બીજા માણસે કહ્યું.

‘પકડાયાં નહિ એટલે એમ જ કહેવું પડશે. પણ હવે આપણે અહીં