પૃષ્ઠ:Thag.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦: ઠગ
 

આરામ લઈએ તો ?' ત્રીજાએ જણાવ્યું.

આયેશાની આંખો મોટી થતી લાગી. તેમની ભ્રમરો ઊંચકાઈ. મને પણ લાગ્યું કે જો આ લોકો અહીં આરામ લેશે તો અમારા બાર વાગી જશે !

‘અહીં ખરા તડકામાં આરામની સારી જગ્યા છે, નહિ ?’ એ ટોળીમાંથી એક જણે હસતે હસતે જણાવ્યું.

‘આ પાછળ ટેકરો છે, તેની છાયામાં બેસીશું.’ માણસે જવાબ આપ્યો.

આયેશાએ ધીમે રહી પોતાનું સ્થાન છોડ્યું અને ચારે બાજુએ વીંટળાયેલા ટેકરાનું એક નાનું સરખું કુદરતી દ્વાર બન્યું હતું ત્યાં જઈ ઊભી રહી. હું પણ તેની સાથે ત્યાં ગયો.

ચટ આયેશાએ પોતાની કમરમાંથી એક ભયંકર જમૈયો ખેચી કાઢ્યો.

મારી પાસે હથિયાર જ ન હતું. છતાં મારા બાહુબળથી જે બને તે કરવા મેં તૈયારી કરી. શું કરવાનું હતું, કોને મારવાના હતા, શા માટે મારવાના હતા, એ બધા પ્રશ્નોનું મારે કામ ન હતું. આયેશા જે કરે તેમાં મારે વગર વિચારે મદદ કરવાની હતી. કટાર લઈ ઊભેલી આયેશાની ભયાનક સૌન્દર્યથી ભરેલી મૂર્તિ નિહાળી હું ચકિત થતો સાવધ થવા લાગ્યો.

પરંતુ આયેશાને કટાર વાપરવાનો અગર તો મારે બિનહથિયારે પરાક્રમ બતાવવાનો કશો પ્રસંગ આવ્યો નહિ. ટોળીમાંથી એક જણે કહ્યું :

‘અહીં બેસી રહેવા કરતાં આપણી જગા ઉપર જ જવું સારું છે. જરા તડકો વેઠીશું પણ ઘરભેગા તો થઈશું. ચાલો.’

માણસોએ ધીમે ધીમે ટેકરાની બાજુએ થઈ જવા માંડ્યું. આયેશાનું મુખ સખતાઈ છોડી પોતાનું અસલ માર્દવ ધારણ કરવા લાગ્યું. માણસો સ્થળ છોડી ગયા એમ ખાતરી થતાં આયેશાના મુખ ઉપર હાસ્ય ફરી વળ્યું.

'ખુદાએ જ આ લોકોને બચાવ્યા !’ તે બોલી ઊઠી.

મને જરા નવાઈ લાગી. બચવાનું તો અમારે બન્નેને હતું. સંખ્યા તે ટોળીની ઘણી વધારે હતી. જો તેઓ આ ટેકરાના ગર્ભભાગમાં પ્રવેશ કરી શક્યા હોત તો અમારું બે જણનું બળ નકામું જ હતું. મેં તે હકીકત સમજાવી; પરંતુ આયેશા બોલી :

‘નહિ નહિ, તમે ભૂલો છો. મેં એકેએક માણસને ઝબે કરી નાખ્યો હોત ! તેમનાથી અંદર આવી શકાય એમ હતું જ નહિ.’