પૃષ્ઠ:Thag.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભગ્ન હ્રદયના ભણકાર : ૭૧
 


અમે બંને બહાર આવ્યાં. ડુંગરની તળેટીમાં થઈને પેલી ટોળીનાં માણસો ધીમેધીમે પસાર થતાં દૂરથી દેખાયાં. તેમણે સીધેસીધો રસ્તો લીધો અને તેઓ અદૃશ્ય થઈ ગયા.

‘હવે તો બે દિવસ જંપીને બેસાય તો ઠીક.' મેં કંટાળાભરેલા અવાજે કહ્યું. ‘થોડા દિવસમાં કાંઈ અજબ નાટકો ભજવાયાં, કશું ખરું લાગતું નથી. સ્વપ્નમાં હોઉ એમ ભાસ થાય છે.'

‘જિંદગી એ સ્વપ્ન છે, ભાઈ !’ આયેશાએ સિદ્ધાંત જણાવ્યો.

'જિંદગી ગમે તે હોય ! હવે તો તે જિંદગીનાં સ્વપ્નો બદલવાની મને જરૂર લાગે છે.' મેં કહ્યું.

'હવે તમને આરામની જરૂર છે. ચાલો.’ કહી તેણે મને આગળ લીધો. આવા બપોરના વખતે આ પહાડ ઉપર મને શી રીતે આરામ આપશે તે મને સમજાયું નહિ, છતાં મારે તેની સાથે ચાલ્યા વગર છૂટકો જ ન હતો. ઊંચીનીચી જગાઓ ઉપર ચડી ઊતરી અમે એક ઝાડી પાસે આવ્યાં.

ઝાડીમાં સહજ પ્રવેશ કરતાં મને જણાયું કે તેમાં એક ઝૂંપડી હતી. એ ઝૂંપડી ઝાડ સાથે મળી જતી હોવાથી દૂરથી ઓળખી શકાય તેવી નહોતી. પાસે જઈ આયેશાએ બારણું ઠોક્યું.

‘કોણ ?’ અંદરથી કોઈએ બૂમ પાડી, અને તત્કાળ બારણું ખૂલ્યું. બારણું ખોલનારને જોઈ આયેશા અને હું બંને સ્તબ્ધ બની ગયાં. બારણું આઝાદે ખોલ્યું હતું.

આઝાદને પણ અમારા જેવી જ નવાઈ લાગી. બેત્રણ ક્ષણ આઝાદ સ્તબ્ધ બની ઊભો રહ્યો. આયેશાએ પૂછ્યું : ‘તુલસી ક્યાં ગઈ ? અંદર નથી ?'

આઝાદે જણાવ્યું :

'મેં એને બહાર મોકલી છે; હમણાં પાછી આવશે. અંદર આવો ને ?'

આઝાદ સાથે સવારે થયેલી મારામારી મને યાદ આવી. આરામ આપવા માટે આયેશા મને અહીં લાવી હોય એમ લાગ્યું, પરંતુ આઝાદની હાજરીમાં આરામની આશા રાખવી એ મને નિરર્થક લાગ્યું. હું પણ હવે આઝાદ સાથે મારું જોર અજમાવવા તૈયાર થયો.

આયેશાએ બહાર પડેલા ખાટલામાંથી એક ખાટલો પાથર્યો અને મને બેસવા જણાવ્યું. હું તે પ્રમાણે બેઠો.

‘અંદર નહિ આવો ?' આઝાદે મને પૂછ્યું.

‘કાંઈ નહિ. અહીં જ પડ્યો છું.' મેં જવાબ આપ્યો.