પૃષ્ઠ:Thag.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઠગજીવનમાં માનવતા : ૭૩
 


ગ્રામ સ્ત્રીનું ઉદાર અને મૃદુ હૃદય જોઈ હું પ્રસન્ન થયો. તેમના ઘર અને શરીર ગરીબીથી વીંટળાયલાં લાગે છે; પરંતુ તેમના સ્વચ્છ નિર્મળ હૃદયને ગરીબી અડકી શકતી નથી. મારા મનમાં પ્રશ્ન ઉપસ્થિત થયો : ખરો. અમીર કોણ ? ઝાકઝમાળ મહેલોમાં રહેતો દબદબાભર્યા આંજી નાખતા વાતાવરણમાં જીવન વ્યતીત કરતો કોઈ રાજા મહારાજા કે કંગાલ ઝુંપડીમાં વસતો, ખરા પરિશ્રમમાંથી પોતાનું ગુજરાન કરતો અને દુશ્મનને પણ મહેમાન બનાવવામાં ધર્મ સમજતો ગરીબ ? ગરીબોનું હૃદય જો તવંગરોને મળે તો જરૂર દુનિયા સ્વર્ગ બની જાય.

આઝાદ થોડી વાર શાંત રહ્યો. થોડી ક્ષણો બાદ પાછું તેણે પૂછ્યું :

‘ગંભીર ક્યારે આવશે ?'

‘એ તો હું શું કહી શકું ?' તુલસીએ જવાબ આપ્યો. સમરસિંહની સાથે જ આવશે તો ! આજે એક જણે ખબર કરી કે ભરતપુરનું કામ થઈ ગયું. અને સમરસિંહ નેપાળ ગયા છે.'

આઝાદનું મગજ ઘણી જ ઝડપથી વિચાર કરતું હોય એમ મને તેના મુખ ઉપરથી લાગ્યું. સમરસિંહ શા માટે નેપાળ ગયો હશે એની મને સમજ પડી નહિ; આઝાદ પણ એ જ વિચારમાં ગૂંચવાયો હશે એમ મને ભાસ થતો હતો.

જમી રહી હું પાછો આરામ લેવા માટે સૂતો. ઊંઘની મારે બહુ જ જરૂર હતી, પરંતુ આઝાદની હાજરીમાં હું સહીસલામત રીતે નિદ્રા લઈ શકું એમ નહોતું. એટલામાં ઝૂંપડીમાંથી એક બાર વર્ષનો મજબૂત બાળક હાથમાં તીરકામઠું લઈ બહાર આવી રમવા માંડ્યો. તે માત્ર રમત જ કરતો હતો. વૃક્ષો ઉપર ચડતો, ફળ પાડતો, ફૂલને જોતો તે આમતેમ ફરવા લાગ્યો. આયેશાએ બહાર નીકળી મને કહ્યું : 'હવે જરા આરામ લ્યો.'

આઝાદની ભમરો સંકોચાઈ. આયેશાના કહેવાથી હું નિર્ભય છું એમ તો લાગ્યું જ. અને તેથી મેં નિર્ભયતાનો લાભ લઈ આરામ લેવા નિશ્વય કર્યો.

આઝાદે ધીમે રહી. મને કહ્યું :

‘સ્લિમાનસાહેબ ! મારે કેટલીક વાત આપને કરવાની છે.'

મેં કહ્યું :

'ઘણી ખુશીની સાથે, પરંતુ અત્યાર સુધીના તમારા વર્તનથી આપની વાત લાંબા વખત સુધી ચાલે એમ લાગતું નથી.’

આઝાદે ખોટું ખોટું હસવાનો ડોળ કર્યો અને પછી જણાવ્યું :