પૃષ્ઠ:Thag.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬ : ઠગ
 

ઠગના આગેવાન છો. એક જ રસ્તે તમે જાઓ. છો. મારી કેમ ખાતરી થાય કે તમે મારી બાજુએ રહેશો ?’

આઝાદની આાંખમાં કાંઈ અજબ ચમક પ્રગટ થઈ. તેના હૃદયમાં કંઈ અવનવો વિચાર ઝબકી નીકળ્યો હોય એમ મને લાગ્યું. થોડી વારે ચારે પાસ નજર નાખી બહુ જ ધીમેથી તેણે મને કહ્યું : ‘હું સુમરાને પકડાવી આપું તો ?’

અમારા ખાટલા ઉપર આવેલા ઝાડની ઘટામાં કાંઈક ચડખડાટ થયો. ચમકીને આઝાદે ઉપર જોયું તો પેલો છોકરો બેદરકારીથી એક ડાળીથી બીજી ડાળી ઉપર જતો જોવામાં આવ્યો. અમારી વાતમાં તેને કશો જ રસ હોય એમ જણાયું નહિ. રમતમાં તેનો જીવ હતો, અને અમારી વાત સાંભળવા તેણે પ્રયત્ન કર્યો હશે એમ મને લાગ્યું નહિ.

છતાં આઝાદ ચિડાયો અને બોલ્યો :

'હરામખોર ! નીચે ઊતર, અને ભાગી જા. અહીંથી, ચારે પાસ ઝઝૂમ્યા કરે છે તે ! બીજી રમવાની જગા નથી, કેમ ? ચાલ, નીચે આવ.'

છોકરો બહુ ચપળતાથી હુકમને માન આપી નીચે ઊતર્યો. તેના મુખ ઉપર નિર્દોષતા છવાઈ રહી હતી.

'ઝાડ ઉપર મારો માળો છે ત્યાં રમવાને જતો હતો. મને બાપાએ આ મૂકી રાખવા આપ્યું છે તે મૂકવું હતું.’ આમ કહી તેણે પોતાના હાથમાં કંઈ ચળકતી વસ્તુ બતાવી. મેં તે વસ્તુ તરત ઓળખી. તે તો પેલો ‘ચંદ્રિકા’ હીરો હતો.

આઝાદ એકદમ ઊઠીને છોકરાને પકડવા ગયો. ચપળ બાળક ઘટાઓમાં ક્યાં પેસી ગયો તે સમજાયું નહિ અને આઝાદ ચારે પાસ નજર નાખી પાછો આવી મારી પાસે આવી બેઠો. તેના મુખ ઉપર ગુસ્સો હતો.

‘સુમરાની અને મારી આ હીરા ઉપર જ પ્રથમ તકરાર થઈ. કેવી સિફતથી અમે આ હીરો મેળવ્યો તે તમે સાંભળો તો તમને નવાઈ લાગે. પરંતુ સુમરાને સારામાં સારી ચીજો પોતાની કરી લેવા તરફ જ લક્ષ છે.’ આઝાદે કહ્યું.

'આટલી હીરાની બાબતમાં જ તમે લડી પડ્યા ?' મેં વધારે માહિતી કઢાવવા પ્રશ્ન કર્યો. ‘આવી નજીવી બાબતમાં લડશો તો તમારી સંસ્થા તરત જ પડી ભાંગશે.'

‘સાહેબ ! આ હીરો નજીવો નથી.' અકળાઈને આઝાદે કહ્યું. 'આટલી જ વાત હોત તો ઠીક, પરંતુ સુમરો એટલેથી અટક્યો નથી. મારા દરેક