પૃષ્ઠ:Thag.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઠગજીવનમાં માનવતા : ૭૭
 

પ્રયત્નમાં તે વચ્ચે આવે છે, અને મને મળવાની ચીજો એ છીનવી જાય છે. હું ક્યાં સુધી હવે સહન કરું ?'

‘તો ચીજોની વહેંચણી બરાબર કરો.’ મેં સલાહ આપી.

‘વહેંચાય એવી વસ્તુ હોય તો ને ?’

‘એવી બીજી કઈ ચીજો ભેગી કરી છે કે જે ન વહેંચાય ?’

આઝાદ દિલગીરી ભરેલું સ્મિત કરી બોલ્યો : ‘તમને શું કહીએ સાહેબ ? સુમરાએ તો મારી આયેશાને લઈ લીધી અને પેલી ગોરી મટીલ્ડાને પણ છીનવી લીધી. મારો જાન જાય તો બહેતર, પણ સુમરાને તો એ લોકો સાથે હું સુખમાં નહિ જ રહેવા દઉં !’

‘હમણાં તો આયેશા અને મટીલ્ડા બંને તમારા પંજામાં છે, પછી તમને શી હરકત છે ? હવે સુમરાથી શું થઈ શકે એમ છે ? મેં જણાવ્યું.

‘તમારી અહીં જ ભૂલ થાય છે. મારો પ્રશ્ન એ છે કે સુમરાથી શું ન થઈ શકે એમ છે ? આયેશા અને મટીલ્ડા બંને અત્યારે મારા કબજામાં છે એમ કહું તો ચાલે. મટીલ્ડા તો છે જ. પરંતુ સુમરાએ કોણ જાણે શી ભૂરકી નાખી છે કે તે બંને યુવતીઓ તેની પાછળ ઘેલી થઈ જાય છે.’ આઝાદે કહ્યું.

‘તો પછી તમારો શો ઇલાજ ? તે યુવતીઓની મરજી વિરુદ્ધ તમે શું કરશો ?’ મેં પૂછ્યું.

આઝાદે સહજ આંખ ઝીણી કરી મને જણાવ્યું : ‘પણ હું એમ સહેલાઈથી હારી જવાનો નથી. આયેશા તો માને છે કે સમરસિંહ સિવાય બીજું જગતમાં પરાક્રમી છે જ નહિ, મટીલ્ડા માને છે કે સમરસિંહ સરખો રૂપવાન પુરુષ બીજો જડે એમ નથી. મારે તેમની એ ભૂલ ભાંગવી છે. મમત એટલો જ છે. એ મમત ઉપર અમે ‘ચંદ્રિકા'ની ચોરી કરી, એ જ મમત ઉપર અમે મટીલ્ડાને ઉપાડી લાવ્યા. છતાં એ બંનેમાં મારી મહેનત સુમરાએ બરબાદ કરી. સુમરાએ પોતાની જાતને આગળ કરી. અલબત્ત, તેનું માન વધે જ ! મેં ફરી એક પ્રયત્ન કર્યો. પણ તેમાંય તેણે મને ફાવવા ન દીધો.'

‘એ શી બાબતનો પ્રયત્ન ? આ યુવક વાત કરવા આતુર હતો. એટલે બની શકે એટલી હકીકત કઢાવવા મેં આગળ પૂછ્યું.

સહજ હસીને તેણે તે કહેવાની આનાકાની કરી. મેં તેને વધારે આગ્રહ કર્યો. છેવટે અતિશય આગ્રહને વશ થઈ તેણે કહ્યું :

‘જુઓ, હું તમારી મૈત્રી ચાહું છું, પરંતુ મારા છેલ્લા પ્રયત્નની વાત હું તમને કહીશ તો હું તમને ખોઈ બેસીશ.’