પૃષ્ઠ:Thag.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઠગજીવનમાં માનવતા : ૭૯
 

લોકોના આગેવાનોના ખાનગી જીવનો ગમે તેવાં રસમય હોય છતાં તેમનો અને તેમની ટોળીનો નાશ કરવા હું યોજાયો હતો. એ વાત મારે ભૂલવી નહોતી જોઈતી એનું મને ભાન થયું.

મેં જવાબ આપ્યો :

‘હું શરતમાં બંધાઉ નહિ, પરંતુ જો તમે સુમરાને પકડાવી આપો તો હું મટીલ્ડાને સમજાવવા પ્રયત્ન કરું.’

અલબત્ત, મટીલ્ડા જેવી અંગ્રેજ કુમારિકા કોઈ પણ કાળા માણસને પરણે એ હું કદી ઇચ્છું, જ નહિ. અને તેને તેવાં લગ્ન કરવા હું સમજાવું એ અશક્ય જ હતું. છતાં સંજોગો કઈ બાજુ તરફ દોરી જાય છે એ કહેવું મુશ્કેલ હતું. કદાચ હું મટીલ્ડાને આઝાદના તેમ જ સુમરાના પંજામાંથી પણ છોડાવી શકું એ લાલચે મેં વચન ન આપતાં વચન આપ્યા સરખો દેખાવ કર્યો. મેં એથી આઝાદને છેતર્યો કે મારી જાતને તે કહી શકતો નથી.