પૃષ્ઠ:Thag.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
 
અજાણ્યો યુવક
 


આ જંગલમાં મુકામ નાખ્યે લગભગ છ મહિના થઈ ગયા હતા. ઠગ લોકોના છેલ્લા ભયંકર અત્યાચાર પછી અમે અમારી છાવણી જંગલમાં જ રાખી; આથી તેમના કાર્યવ્યવહાર ઉપર અમે ભારે અંકુશ સ્થાપ્યો. પરિણામે આ છ માસમાં ઠગ લોકોનો જરા પણ ઉપદ્રવ જણાયો નહિ. ઊલટું કેટલાક એવા માણસોને અમે પકડ્યા કે જેમની પાસેથી ઠગ લોકો વિષે અમને ઘણી બાતમી મળી શકશે એવી અમને આશા ઊપજી.

હવે અમે લગભગ નિર્ભય થઈ ગયા હતા અને અમારા લશ્કરને અહીંથી ક્યારે બોલાવી લેશે તેની જ રાહ જોતા હતા. સ્થળ અને યોજના મારી મરજી અનુસાર પસંદ થયાં હતાં, એટલે આ નિર્ભય વાતાવરણ માટે હું જાતે જ મગરૂર હતો. મારા સૈનિકો વખતોવખત શિકારે જતા અને પાછા ફરતા. હું પણ છેવટના ભાગમાં થોડા સોબતીઓ લઈ શિકાર રમવા નીકળી પડતો.

ઈંગ્લૅન્ડમાં જન્મેલા ગોરાઓને હિંદુસ્તાનનો શિયાળો ઘણો જ પસંદ પડે છે. આજે સવારે ખાસ વધારે ઠંડી હતી; અને બીજું કાંઈ કામ ન હોવાથી નાસ્તા પછી શિકાર કરવા જવાનો મને વિચાર સ્કુર્યો. પાંચેક સમોવડિયાઓને મેં સાથે લીધા, અને હથિયારથી સજ્જ થઈ નજીકના ઝાડીવાળા ડુંગર તરફ અમે ઉતાવળે ચાલ્યા. ઠગ લોકોની શોધખોળમાં અમે આ પ્રદેશના સારા ભોમિયા થઈ ગયા હતા.

સૂર્ય મધ્યાકાશે પહોંચ્યો પણ આજ એકે શિકાર હાથ લાગ્યો નહિ. સાથે લીધેલો ખોરાક તો ખલાસ કર્યો, અને કાંઈ બાકી ન રહેવાથી અમે શરત બકી કે અમારામાંથી જે સહુથી પહેલો શિકાર કરી લાવે તેને ઠગ પકડવામાં મળતાં ઇનામ જેટલી રકમની મિજબાની બીજાઓએ આપવી.

ઝાડી વધારે ઘટ્ટ થતી ચાલી, અને સ્વાભાવિક રીતે અમે છૂટા પડી ઊંચાનીચા ટેકરાઓમાં જેમ ફાવ્યું તેમ ધૂમવા લાગ્યા. દૂરના એક ઊંચા ટેકરા ઉપર કોઈ જાનવરનો ફરતો આકાર મને જણાયો, એને પહેલા શિકારનું માન ખાટી જવા હું છુપાતો છુપાતો તે ટેકરા ઉપર ચડી ગયો. શિકારીની નજરમાં તેનો શિકાર ભાગ્યે જ છૂપી શકે છે; પરંતુ મારી