પૃષ્ઠ:Thag.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઠગ : ૮૨
 

હિંદુસ્તાન તો ઈશ્વરે રચેલું અવનવું સતત ચિત્ર છે.' મેં જવાબ આપ્યો. તેના મુખની વિકૃતિ અને આંખના ચમકારાથી હું સમજી ગયો કે તે મારી લાચારીનું મને ભાન કરાવવા માગે છે, એટલે મેં તેના ધાર્યા કરતાં જુદો જ જવાબ આપ્યો.

તેણે વધારે સ્પષ્ટતાથી કહ્યું :

‘આપ એકલા છો એ તો સમજાય છે ને ?’

‘અલબત્ત, મને એકલા રહેવાની નવાઈ નથી, તમે એકલા છો તેથી ડર તો નથી લાગતો ને ? પીઠ પાછળ ઘા નહિ કરું. જે વાત તે મને કહેવા માગતો હતો. તે મેં તેને કહી. તેના મનમાં મને ડરાવવાનો તેનો વિચાર હતો.

આઝાદ હસ્યો :

‘તમે ગોરા લોકો બહુ જ બડાઈખોર હો છો. ઘણી વખત તો તેથી જ તમે જીતી જાઓ છો. દેખાવ કરવામાં તમે એટલા પ્રવીણ છો કે સામાને ખરાનું ખોટું અને ખોટાનું ખરું બતાવી શકો છો. જુઓ, ડરવાનું કોને છે તે બતાવું !’

એમ કહી તેણે એક વિચિત્ર રીતે તાળી પાડી. તેનો પડઘો વાગી રહ્યો અને જોતજોતામાં પચીસેક હથિયારબંધ માણસો અમારી સામે આવીને ઊભા રહ્યા.

મને આશ્ચર્ય લાગ્યું. આવા નિર્જન સ્થળમાંથી આટલા બધા માણસો ક્યાંથી ફૂટી નીકળ્યા તે હું સમજી શક્યો નહિ. મને સહજ ભય પણ થયો. કદાચ આઝાદ મારું અહીં જ ખૂન કરાવે તો ?

‘બોલો સાહેબ ! આપને બંધનમાં રાખું કે આપને ઝબે કરું ?’

ખડખડાટ હસીને તે બોલ્યો. તેના હાસ્યમાં અતિશય ભયંકરતા હતી. તેના મુખમાં અને રીતભાતમાં સમરસિંહની મૃદુતા મારા જોવામાં આવી જ નહિ. સમરસિંહ અભય થવાનું વાતાવરણ ખડું કરતો, આઝાદ રક્ષણનો વિચાર કરતો હોય તોપણ તે ખૂન અને રુધિરનો જ ભાસ આપતો. મને હવે તેનો વિશ્વાસ રહ્યો નહિ. છેવટની ક્ષણ આવી પહોંચી માની હું તદ્દન બેદરકાર બની ગયો, અને તેને મેં ગર્વથી કહ્યું :

‘બેમાંથી એકે તમે કરી શકો એમ નથી. મને એટલી જ દિલગીરી થાય છે કે મને બંધનમાં નાખવા અગર મારું ખૂન કરવા તમે પ્રયત્ન કરશો તો તે નિષ્ફળ જશે અને નાહક વિશ્વાસઘાતનું પાપ તમને ચોંટશે.’

તેણે મને પાછું જણાવ્યું કે મારું ખૂન કરવાનો તેનો ઇરાદો હતો જ નહિ. માત્ર તેની શક્તિ કેટલી છે તેનું મને ભાન કરાવવા તે માગતો હતો.