પૃષ્ઠ:Thag.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આઝાદની સોબત : ૮૩
 


હિંદુસ્તાનમાં એવું એક પણ સ્થાન નહોતું કે જ્યાંથી ઠગ લોકોનો સરદાર એક પળમાં માણસો ઊભા ન કરી શકે. તેણે ભેગા થયેલા લોકોને વેરાઈ જવા હુકમ કર્યો. લોકો જોતજોતામાં અદ્રશ્ય થઈ ગયા. વીખરાતા ટોળામાંથી એક જણની પીઠ તરફ આઝાદની નજર ગઈ અને કોણ જાણે કેમ પણ તેણે ઘોડાને એડી મારી છલંગ ભરાવી અને પેલા માણસને ગરદનથી ઝાલ્યો. આ બધું અચાનક બનતું જોઈ હું પણ આશ્ચર્ય પામતો જોતો હતો. પેલા માણસે ગરદન છોડાવી નાખી, અને એકદમ સામે ફરી આઝાદને સલામ કરી માનપૂર્વક ઊભો રહ્યો. તેનું મુખ જોતાં મને સ્પષ્ટ સમજાયું કે એ તો પેલો ઝૂંપડીવાળો ગંભીર હતો.

‘કેમ, હરામ ખોર ! અમારી પાછળ આવતો હતો. ખરું ? આયેશાએ મોકલ્યો, નહિ ? સાહેબને હું મારવાનો છું. એમ ધાર્યું હશે, ખરું ને ? પણ ઓ બેવકૂફ ! તને ખ્યાલ છે કે આઝાદ જેને મારવા ચાહે છે તેને ઈશ્વર પણ બચાવી શકતો નથી !’

મને તરત જ ખ્યાલ આવ્યો. મારું રક્ષણ કરવાના ઇરાદાથી અમારા ચાલી નીકળ્યા પછી આયેશાએ ગંભીરને મોકલ્યો હશે.