પૃષ્ઠ:Thag.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઠગની બડાઈઃ ૮૫
 

સરળ સ્ત્રીનો આ ગંભીર પતિ હોય તો તેમને કેમ બનતું હશે ? જરા પણ ગભરાટનું ચિહ્ન ગંભીરના મુખ ઉપર જણાયું નહિ, અને તેણે જવાબ આપ્યો : ‘એમ. ચિઠ્ઠી ન અપાય.'

‘એમ ન અપાય, તો જો તને બતાવું છું કે કેમ અપાય ?’ કહી આઝાદે ઝડપથી પોતાની તલવાર ખેંચી ગંભીર ઉપર ઉપાડી. ગંભીર સ્વસ્થ ઊભો હતો. આઝાદના ક્રોધની જેટલી તેણે દરકાર કરી હતી. એટલી જ દરકાર તેણે તેની તલવારની પણ કરી. આ ઠગ લોકોની સ્વસ્થતા જોઈ હું ચકિત થયો, ચળકતી નાગણ સરખી તલવાર નીચે પણ આ લોકોનાં મુખ સંકોચાતાં નથી એ તેમનો દેહ અને મન ઉપરનો કાબૂ અદ્ભુત હતો.

હું વચ્ચે પડ્યો. આઝાદને મેં ઘા કરતાં રોક્યો અને ગંભીરને સમજાવ્યો કે તેણે આઝાદ જેવા તેમના આગેવાનથી કાંઈ છૂપું રાખવું ન જોઈએ. છેવટે કાંઈ નહિ તો મને તો તેણે ચિઠ્ઠી આપવી જ જોઈએ. જો આયેશાને હરકત થાય એવી કંઈ હકીકત હશે તો હું આઝાદને નહિ જણાવું એવી મેં ગંભીરને ખાતરી આપી.

છેવટે ગંભીર મને ચિઠ્ઠી વંચાવવા કબૂલ થયો. મને હિંદી તથા ઉર્દૂ ભાષા લખતાં વાંચતાં સાધારણ આવડતી હતી. હિંદુસ્તાનમાં આવનાર અંગ્રેજોને એ બંને ભાષા જાણ્યા વગર ચાલે જ નહિ. તેની ક્રૂર આંખ ઝીણી કરી ગંભીરે પોતાના પહેરણમાં ક્યાંક છુપાવેલી એક ચિઠ્ઠી બહાર કાઢી મને વાંચવા આપી.

ચિઠ્ઠી વાંચતાં મને સમજાયું કે એક સંઘ જાત્રાએ જતો હતો. તેને લૂંટવા માટે ખાનસાહેબને સૂચના કરેલી હતી. મને ઠગ લોકોનું ઠગપણું હવે સમજાયું, અત્યાર સુધી તેમના અંદર અંદરના કાવાદાવા સમજવામાં હું રોકાયો હતો. હવે મને તેમના ખરા ધંધાનો પ્રસંગ વિચારવા મળ્યો. વાંચીને મેં ગંભીરને પૂછ્યું કે આમાં આઝાદને ન જણાવવા જેવું શું હતું ? ગંભીરે તે વાત મારી મુનસફી ઉપર છોડી અને યોગ્ય લાગે તો ચિઠ્ઠી આઝાદને વંચાવવા જણાવ્યું.

મેં એ ચિઠ્ઠી આઝાદના હાથમાં મૂકી ગંભીરના સામું જોયું. ગંભીરનું મુખ સહેજ મલક્યું. જાણે આ ચિઠ્ઠી આપી તે આઝાદને છેતરતો હોય એમ તેના મુખ ઉપરથી સહજ ખ્યાલ થયો. લખાણ ઉપર કોઈની સહી નહોતી. ચિઠ્ઠી વાંચી આઝાદનું મોં કટાણું થયું.

‘ઓહો ! આ જ ચિઠ્ઠી માટે તું આટલી હુજ્જત કરતો હતો કે ? એ તો હું ક્યારનો જાણું છું અને ખાનસાહેબ પણ જાણે છે. તારા પહેલાં મેં આ